પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
દેશી રાજ્યોનો પ્રશ્ન

રાજ્યપ્રકરણને સારુ મજૂરોને એકત્રિત કરવાનું ધોરણ મેં સ્વીકાર્યું નથી. રાજ્યપ્રકરણમાં તો બધા શહેરી રસ લે, તેઓએ રસ લેવો જોઈએ. પણ કોઈનું સંગઠન કરવાની પાછળ તે હેતુ ન હોવો જોઈએ. માણસોનું સંગઠન તેમના ધંધા પરત્વે, તેમની વિશેષ સ્થિતિ પરત્વે હોય. રાજ્યપ્રકરણને સારુ તૈયાર થનાર તે કરનાર સંસ્થા તો મહાસભા છે જ. તેને મજૂરોના રાજ્યપ્રકરણી હકો બીજાઓના હકોની જેમ જ રક્ષવાના છે. ખરું જોતાં મજૂરોના રાજ્યપ્રકરણી હકો બીજાના હકોના વિરોધી નથી હોતા, ન હોવા જોઈએ. એટલે મહાસભાના કાર્યમાં બધાની રક્ષા ને બધાનો સમાવેશ થાય છે. મારો અનુભવ છે કે મજૂર-સંગઠનોમાં રાજ્યપ્રકરણને હેતુ કરવાથી કાર્યકર્તાઓ વચ્ચે ખોટી હરીફાઈ થાય છે, તેઓની વચ્ચે મજૂરો સોગઠાં થઈ પડે છે, તે તેથી મજૂરોને નુકસાનીમાં ઊતરવું પડે છે. ને સંગઠનનું નામ વગોવાય છે. કદાચ મજૂરો પણ મિત્રતાનો દાવો કરી આવનારને વહેમની નજરે જુએ. જેઓ મજૂરોની સ્થિતિ સુધારવા સારુ તેઓનું સંગઠન કરે તેમને તે કળા પણ આવડવી જોઈએ. ઇચ્છામાત્રથી વગર આવડતે કોઈ સંગઠન કરવા બેસે તો તે થઈ શકતું નથી.

આ બધી પ્રવૃત્તિઓમાં હું પોતે તો ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, હરિજનસેવા, ગ્રામઉદ્યોગ ને મદ્યપાનનિષેધને અગ્રસ્થાન આપું. તે ન થાય તો બીજી પ્રવૃત્તિઓમાં દમ નહિ હોય એમ હું માનું છું. બીજી પ્રવૃત્તિઓને આશ્રયે જ રચનાત્મક કાર્યો ચાલે એવી માન્યતા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી માનું છું. રચનાત્મક કાર્યને દૃઢતા ને ધીરજપૂર્વક વળગી રહેવાથી તેમાંથી જે શક્તિ પેદા થઈ શકે છે તેને બીજી