પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

કોઈ પ્રવૃત્તિ ન અડકી શકે, એવો મારો અભિપ્રાય છે. હું જાણું છું કે આ રચનાત્મક કાર્યોમાં સામાન્યપણે કોઈને રસ નથી હોતો. તેનાં બે કારણો મને ભાસ્યાં છે. એક તો એ કે એ કામો ગામડાંનો સ્પર્શ કરે છે. આપણા કાર્ય કરનારા શહેરોમાં ઊછરેલા હોય છે, અંગ્રેજી નિશાળો કોલેજોમાં કેળવણી પામેલા હોય છે, એટલે તેઓને ગામડાંના જીવનમાં રસ ઓછો હોય છે, તેઓ પોતાને ગામડાંમાં રહેવા લાયક નથી ગણતા, ને ગામડિયાઓના સંગમાં આવવાની કળા તેઓ જાણતા નથી. બીજું કારણ આપણું આળસ ને તેમાંથી નીપજેલું અજ્ઞાન છે. ખાદી ઇત્યાદિ રચનાત્મક કાર્ય સતત જાગૃતિ, મહેનત, અભ્યાસ અને ઉદ્યમ માગે છે, તે આપવાની આપણી તૈયારી નથી હોતી; અને પછી તે મહાકાર્યમાં રસ ઉત્પન્ન નથી થતો તેથી પોતાનો દોષ કાઢવાને બદલે આપણે તે કામો જ નીરસ છે એમ માની બેસીએ છીએ. આને હું મહાદોષ ગણું છું, ને તેથી માની બેઠો છું કે એ કામોને આપણે શોભાવીશું નહિ ત્યાં લગી આપણાં બીજાં કામો પૂરાં સફળ નહિ જ થાય. અને તેથી હું આટલાં બધાં વરસોને અંતે પણ એ કામોને જ વધારેમાં વધારે મહત્ત્વ આપું છું.

હવે છેલ્લો પ્રશ્ન. બધાં કામો એક જ તંત્ર નીચે ચાલતાં હોય તો ભલે ચાલે. બધાં છેક સ્વતંત્ર ચાલે તેમાં હું હાનિ નથી જોતો. એક જ તંત્ર નીચે ચાલે તોય બધાંને સ્વાવલંબી કરવાં જોઈએ, ને જેઓ જે ક્ષેત્ર પસંદ કરી લે તેમાં જ તેઓને ખૂંચવા દેવા જોઈએ.

નવજીવન, ૮–૮–૧૯૩૭