પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૦
દેશી રાજ્યો વિષેનો ઠરાવ

હરિપુરામાં જે અતિ મહત્ત્વના ઠરાવો પસાર થયા તેમાંનો એક તે દેશી રાજ્યો પ્રત્યેના મહાસભાના વલણ વિષેનો હતો.*[૧]


  1. *દેશી રાજ્યોમાં જાહેર જીવનના વિકાસને લીધે અને સ્વાતંત્ર્યની માગણીને લીધે નવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ને નવા ઝઘડા પેદા થઈ રહ્યા છે. એ હકીકત જોતાં, આ મહાસભા દેશી રાજ્યોની બાબતમાં પોતાની નીતિ નવેસર નક્કી કરે છે.
    મહાસભા માને છે કે, દેશી રાજ્યોમાં પણ બાકીના હિંદુસ્તાનના જેટલી જ રાજકીય, સામાજિક અને આર્થિક સ્વતંત્રતા હોવી જોઈએ. તે માને છે કે દેશી રાજ્યો એ હિંદુસ્તાનનાં અવિભાજ્ય અંગો છે તે તેને વિખૂટાં પાડી ન શકાય, મહાસભાનું જે પૂર્ણ સ્વરાજનું ધ્યેય છે તે દેશી રાજ્યો સહિત સમસ્ત ભારતવર્ષને માટે છે; કેમકે ભારતવર્ષની અખંડતા અને એકતા જેમ પારતંત્ર્યમાં જળવાઈ છે તેમ સ્વાતંત્ર્યમાં પણ જળવાઈ રહેવી જોઈએ. મહાસભાને તો એવી જ જાતનું સમૂહતંત્ર સ્વીકાર્ય હોઈ શકે જેમાં દેશી રાજ્યો સ્વતંત્ર ઘટકો તરીકે જોડાતાં હોય અને હિંદુસ્તાનના બાકીના ભાગ જેટલી જ લોકશાસનની સ્વતંત્રતા ભોગવતાં હોય. તેથી મહાસભા માને છે કે, દેશી રાજ્યમાં પૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર અને નાગરિક સ્વાતંત્ર્યની ખોળાધરી હોવી જોઈએ; અને આમાંનાં ઘણાં રાજ્યોમાં અત્યારે પછાત દશા છે.