પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
રાજકોટવાસી

વાસ્તવિક હોવાનો સંભવ છે. કાઠિયાવાડે તિલક સ્વરાજ ફંડમાં ઠીક ભર્યું, અમરેલીમાં ખાદીની સુંદર વ્યવસ્થા છે. કાઠિયાવાડમાં ખાદીની પેદાશ સારી છે, એ બધું હું જાણું છું. મોટાં શહેરોમાં રહેતા કાઠિયાવાડી પોતાના પરદેશી કપડાંના મોહને છોડી શક્યા નથી એ દુઃખદાયક છે. કાઠિયાવાડને સુધારાનો સ્પર્શ ઓછો હોવો જોઈએ. કાઠિયાવાડની સૂકી ભૂમિમાં તો કઠણ, સાદા, શૂરા, ભોળા ને ઉદાર માણસો પાકવા જોઈએ. તેને બદલે જો કાઠિયાવાડનાં શહેરોમાં મોજશોખ વધતાં જ જાય, તો કાઠિયાવાડની તરફથી જે મોટી આશાઓ બંધાયેલી છે તેનું શું થાય ? સ્વરાજયજ્ઞમાં કાઠિયાવાડ પોતાનો ફાળો પૂરો ન આપે તો, મને તો એમ લાગે કે, કાઠિયાવાડે હિંદુસ્તાનથી અલગ થઈ જવું જોઈએ. મારી તો એવી ઉમેદ છે કે, જ્યારે જેલ જવાનો સમય આવશે ત્યારે કાઠિયાવાડઓ પોતાનો સંપૂર્ણ ફાળો આપશે. પણ જો ખાદી પહેરવા જેટલી સાદાઈ પણ આપણામાં નહિ આવી હોય, તો આપણે જેલની સાદાઈની બરદાસ કઈ રીતે કરવાના ? દેશબંધુ દાસ ખાદી પહેરે, તે રેંટિયો ચલાવે; મૌલાના શૌકતઅલી જેમને ખાદી પહેરવાનું ઘણું કઠણ હતું તે ખાદી પહેરતા થયા, તે જેલમાં રેંટિયો ચલાવી રહ્યા છે; ને કાઠિયાવાડના શહેરીઓ ખાદીનો ત્યાગ કરે ? હવે હું સમજી શકું છું કે કેમ મારી પાસે એવી ફરિયાદ આવેલી કે કાઠિયાવાડમાં ખાદી ઘણી વધારે વણાય પણ એની ખપત ઓછી ! શું એવોય વારો આવે કે કાઠિયાવાડની ધીંગી ઓરતો બાજરાનો રોટલો તો બનાવે ને સવારના પહોરમાં છાશ વલોવી સુંદર માખણ તો કાઢે ખરી, પણ બાજરાના રોટલા કૂતરાને આપે, માખણ પચવા જેટલી હોજરી રહી ન