પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

ઉપયોગ શોખને ખાતર અમુક હદ સુધી કરવામાં આવે એ ઠીક છે. પણ ઓછામાં આછું એ લઘુમતીની સંખ્યા તો કંઈક ઠીકઠીક હોવી જોઈએ. લઘુમતીમાં એક માણસ પણ હોય તોયે તે પૂરેપૂરો ન્યાય મેળવવાની અપેક્ષા રાખી શકે. પણ એવી લઘુમતીને રાજકીય ક્ષેત્રમાં કંઈ દરજ્જો ન હોઈ શકે. ખોખા જેવડી નાની કોમનો કોઈ માણસ જ્યારે સત્તાએ ચડે છે ત્યારે તે પોતાની કોમના પ્રતિનિધિ તરીકે નહીં પણ કેવળ પોતાના ગુણ ને લાયકાતના બળે કરીને જ ચડે છે. કોમી એ શબ્દ જે અર્થમાં હિંદુસ્તાનમાં વપરાય છે તે અર્થમાં હૈદરાબાદની રાજ્ય મહાસભા કદી કોમી ન હોઈ શકે. સરહદ પ્રાંતની કોઈ સંસ્થામાં એક પણ હિંદુ સભ્ય ન હોય એટલા જ માટે એ સંસ્થા કોમી છે એવી છાપ તેના પર ન મારી શકાય. પણ હૈદરાબાદનાં જાહેરનામાં તો દૂધમાંથી પોરા કાઢે છે ને કહે છે કે રાજ્ય મહાસભામાં કેટલાક માણસો એવા છે જેમની દૃષ્ટિ મોટે ભાગે કોમી ભેદભાવવાળી છે. વધારે જાણવા જેવું તો એ છે કે રાજ્ય મહાસભાએ એક નિવેદન પ્રસિદ્ધ કર્યું છે તેમાં આ કોમીવાદના આક્ષેપનો સદંતર ઇનકાર કરેલો છે.

તે પછી અત્યાર સુધી પ્રગતિશીલ ગણાતા રાજકોટનો પણ વારો આવે છે. થોડા જ વખત પર ત્યાં રાજ્ય પ્રતિનિધિ સભા હતી ને તેના સભાસદો ચૂંટવાનો રાજ્યના સર્વ પ્રજાજનોને મતાધિકાર હતો, અને સ્વર્ગસ્થ લાખાજીરાજના અમલમાં એ સભાને વાણીનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય હતું. હું આશા રાખું છું કે ત્યાં બળજબરીનું (મારા મત પ્રમાણે કેવળ અકારણ એવું) જે પ્રદર્શન હમણાં થઈ ગયું તે પછી હવે