પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૩
તટસ્થતા એટલે?

દેશી રાજ્યોના કારભારમાં હાથ નહિ નાંખવાનો નિશ્ચય મહાસભાએ ૧૯૨૦ માં કરેલો, અને ત્યારથી માંડીને, એના પર ઘણા હુમલા થયા છતાં, એ મહાસભાની નીતિ રહેલી છે. પણ હું જોઉં છું કે દેશી રાજ્યોમાં, જ્યારે ટીકા કરવાનો અથવા સલાહ કે મદદ આપવાનો કંઈક પ્રયત્ન થાય છે ત્યારે પણ, મહાસભા અને મહાસભાવાદીઓની સામે આ સ્વેચ્છાએ સ્વીકારેલા સંયમની વાત કરી તેમના વાંક કાઢવાનો રિવાજ થઈ પડેલો છે. તેથી આ તટસ્થતાની નીતિના ગર્ભમાં શું શું રહેલું છે તેની તપાસ કરવી આવશ્યક છે. એ વસ્તુ સિદ્ધાંતરૂપ તો કદી માનવામાં આવી જ ન હતી. એ એક મર્યાદા હતી, અને તે મહાસભાએ પોતાની જ ખાતર તેમ જ દેશી રાજ્યોની પ્રજાની ખાતર સ્વેચ્છાએ સ્વીકારેલી હતી. દેશી રાજ્યો વિષેના પોતાના ઠરાવોનો અમલ દેશી રાજ્યો પાસે કરાવી શકાય એવી શક્તિ મહાસભાની પાસે નહોતી. તેની સલાહની રાજ્યો તરફથી કદાચ અવગણના કરવામાં આવે, તેના હસ્તક્ષેપ સામે રોષ કરવામાં આવે, અને રાજ્યોની પ્રજાઓને હેરાન કરવામાં આવે છતાં કશો લાભ ન થાય, એવો સંભવ રહેલો હતો. એ નીતિની પાછળ મિત્રતાભર્યો હેતુ અવશ્ય રહેલો હતો. એમાં મહાસભાની ભલું કરવાની