પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
તટસ્થતા એટલે?

શક્તિ મર્યાદિત હોવાનો ડહાપણભેર સ્વીકાર કરવામાં આવેલો હતો. આ અને બીજી ઘણી રીતે મહાસભાએ જે સંયમ પાળ્યો તેણે મહાસભાને એક પ્રકારની પ્રતિષ્ઠા ને શક્તિ અપાવી છે, ને તેનો ઉપયોગ તે ન કરે તો ડહાપણ નહિ ગણાય. આ બાબતમાં કંઈ આનાકાની કરવી એ કોઈ મૂરખ વાણોતર પોતાને વાપરવા આપેલા પૈસાનો ઉપયોગ ન કરે એના જેવું થઈ જાય. અમુક હદ સુધી દેશી રાજ્યો મહાસભાની શક્તિનો સ્વીકાર, ભલે ગમે તેટલી અનિચ્છાએ પણ, કરતાં થયાં છે. એ સાફ સાફ દેખાતું જાય છે કે દેશી રાજ્યોની પ્રજા દોરવણી ને મદદને સારુ મહાસભાની તરફ જોઈ રહી છે. હું માનું છું કે, મહાસભાથી જ્યાં જ્યાં બની શકે ત્યાં બધે એમને એ દોરવણી ને મદદ આપવાની મહાસભાની ફરજ છે. મહાસભામાં જેટલી આંતિરક શુદ્ધિ, જેટલી શુદ્ધ ન્યાયવૃત્તિ, અને જેટલો સર્વ વર્ગોને વિષેનો સદ્ભાવ હશે, તેટલા પ્રમાણમાં જ મહાસભાની પ્રતિષ્ઠા ને શક્તિ રહેવાની છે, એટલું જો હું દરેક મહાસભાવાદીને ગળે ઉતારી શકું તો કેવું સારું! દેશી રાજ્યોની પ્રજાને પોતાનું હિત મહાસભાના હાથમાં સોંપી દેવામાં સુરક્ષિતતા લાગતી હોય તો રાજાઓને પણ મહાસભા પર ઇતબાર રાખવામાં એટલી જ સુરક્ષિતતા લાગવી જોઈએ. મેં મહાસભાવાદીઓને જે ચેતવણી આપેલી છે તેના તરફ લક્ષ નહીં અપાય તો વરસો સુધી ધીરજપૂર્વક પ્રયત્ન કરીને જમાવેલી તમામ પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યા વિના નહિ જ રહે.

કંટાળો આવે એવી પુનરુક્તિ કરવાનું જોખમ વહોરીને પણ હું દેશી રાજ્યોની પ્રજાને કહેવા ઇચ્છું છું કે તેમણે મહાસભાની મદદ પર બહુ મદાર ન બાંધવી. તેઓ સત્યનિષ્ઠ