પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

હોય તો તેમણે પોતાનું અહિત જ કર્યું છે, અને જો કદી બ્રિટિશ સરકાર એમનું મન રાખવા એવી કશી પેરવી કરશે તો તેમાંથી એવો મહાકઠણ પ્રસંગ ઊભો થશે જેની વ્યાપ્તિ વિષે અટકળ કરવી મુશ્કેલ છે. બ્રિટિશ સરકાર એવી ભયાનક ભૂલ કરે એમ માનવાની મારે ના જ પાડવી જોઈએ. અર્લ વિન્ટરટનની ઘોષણા ચાલતી આવેલી પ્રથાનો અનુવાદ માત્ર છે. પોતાની પ્રજાને અધિકાર — પછી તે ગમે તેટલા મોટા હો — આપવાની તજવીજમાં સરકારે કોઈ દેશી રાજ્યની બાબતમાં દખલગીરી કરી હોય એવું જાણમાં નથી.

હું એથીયે એક પગલું આગળ વધીને કહું છું કે, ચક્રવર્તી સત્તા તરીકે જેમ બ્રિટિશ સત્તા રાજાઓને બહારના કે ઘરના સંકટ સામે રક્ષણ આપવાને બંધાયેલ છે, તેમ એ જ ન્યાયે, બલ્કે એથીયે વધુ, રાજાઓ પણ ન્યાયથી રાજ કરે એવી ખોળાધરી લોકોને આપવાને બંધાયેલ છે. તેથી જ્યારે કોઈ પણ દેશી રાજ્યને તે પોલીસ કે લશ્કરની મદદ આપે ત્યારે, તેવી મદદની માગણીને માટે યોગ્ય સંકટ ઊભું થયું છે અને તેને પહોંચી વળવામાં સદરહુ મદદનો ઉપયોગ પૂરના અંકુશપૂર્વક કરવામાં આવશે એ જોવાની પણ તેની તેટલી જ ફરજ છે. ઘેનકનાલમાં ચક્રવર્તી સત્તાએ મોકલેલ પોલીસની છાયા હેઠળ રાજના ભાડૂતી મવાલીઓએ કરેલા રાક્ષસી અત્યાચારોની હકીકતો મારી પાસે આવી છે. કેટલાક અકથ્ય અત્યાચારોની બાબતમાં મેં પુરાવો માગ્યો છે, અને તે માનવા પડે એટલા પ્રમાણમાં મળ્યો પણ છે.

સવાલ તો એ છે કે, જવાબદાર તંત્રોવાળા પ્રાંતોના પ્રધાનોની પોતપોતાના પ્રાંતોમાં આવેલાં દેશી રાજ્યોની પ્રજા