પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
રાજકોટ


ઠાકોર સાહેબને અભિનંદન ઘટે છે કે અંગ્રેજ દીવાનની સલાહ અને રેસિડેન્ટની ઇચ્છાને કોરે મૂકીને તેમણે લગામ પોતાના હાથમાં લીધી. મારી પાસેના કાગળપત્રો ઉપરથી હું જાણું છું કે રેસિડેન્ટની હૂંફ ભોગવતા સર પૅટ્રિક કૅડેલે ઠાકોર સાહેબના નોકર તરીકે પોતાની શોભા ખોઈ. પોતે ભાન ભૂલ્યા અને માલિકની જેમ વર્ત્યા. પોતે રાજ્યકર્તાની જાતિના છે અને પોતાની નિમણુક ચક્રવર્તી સત્તાની મંજૂરીને આધીન છે, એ બીના પર એમણે મદાર બાંધી, અને પોતે ચાહે સો કરી શકે એમ માની લીધું. આ લખતી વેળાએ હું નથી જાણતો કે ડહાપણુપૂર્વક નિવૃત્ત થવાનું હજું તેમને સૂઝ્યું છે કે શું થયું છે. મારી પાસે પડેલા પત્રવહેવાર ઉપરથી જોઉં છું કે દેશી રાજાઓ વિચારમાં પડી ગયા છે કે ગોરા દીવાનો રાખવામાં કેટલે સુધી ડહાપણ છે. ચક્રવર્તી સત્તાએ પણ જે તેમણે કરેલી જાહેર પ્રતિજ્ઞાઓનું મનવચનથી પાલન કરવું હોય તો રેસિડેન્ટો ઉપર નજર રાખ્યે જ છૂટકો છે.

આપણે આશા રાખીશું કે દેશી રાજાઓ જેઓ હમેશ રેસિડેન્ટોનો ધાક વેઠે છે તેઓ રાજકોટના દાખલાથી જાણશે કે, જો તેઓ પોતે સીધા હશે અને જો તેમની પ્રજા સાચે તેમની ભેરે હશે તો, તેમને રેસિડેન્ટોથી કશું જ બીવાપણું નથી. તેમને સાચે જ દેખાવું જોઈએ કે ચક્રવર્તી સત્તા સીમલામાં કે વિલાયતમાં નથી વસતી પણ તેમની પ્રજાના હૈયામાં વસે છે. અહિંસક બળ ઉપર મુસ્તાક એવી કોઈ પણ જાગેલી પ્રજા શસ્ત્રધારી સત્તાના ચાહે તેવા સંગઠનની સામે પણ આઝાદ છે. રાજકોટની પ્રજાએ દેખાડી આપ્યા