પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

તેવા ગુણો પ્રજા દેખાડે તો રાજકોટે ત્રણ માસમાં જે કરી દેખાડ્યું તે દરેક રાજ્ય કરી શકે એમ છે.

હું એવો દાવો નથી જ કરતો કે રાજકોટની પ્રજાએ એવી અલૌકિક અહિંસા કેળવી લીધી છે જે એકેએક કસેાટીની સામે અમોઘ નીવડશે. પણ રાજકોટે એટલું જ બતાવી આપ્યું કે સંગઠિત થયેલી એક આખી પ્રજા સામાન્ય કોટિની અહિંસા ચલાવીને પણ કેટલું સાધી શકે છે.

આમ રાજકોટી પ્રજાએ મોટી કામગીરી બજાવી છે. અને છતાં સત્યાગ્રહીઓ તરીકે તેમની ખરી કસોટી હજુ હવે થવાની છે. જે ગુણોને બળે તેમણે આવડી જીત મેળવી તે ગુણોને જો પ્રજા સ્થાયી રૂપે ટકાવી નહિ શકે તો તેમનું કર્યુંકારવ્યું ફોક નીવડશે. આખા ભારતમાં મહાસભાવાદિઓ વર્ષોંની તાલીમથી હવે સત્યાગ્રહી સામનો કરતાં તો બધે શીખી ગયા છે, પણ રચનાત્મક અહિંસાની આવડત દેખાડવાનું તેમને સારુ હજુ બાકી છે. સવિનય ભંગમાં અવિનયની એટલે કે હિંસાની સેળભેળ ખાસી રીતે થાય અને છતાં તે સત્યાગ્રહ તરીકે વેચાય એમ બને.

પણ રચના હમેશાં કપરું કામ હોય છે. એના પડ ઉપર હિંસા ઝટ પકડાઈ જાય છે. આવી હિંસા જીતને પણ જાળમાં મૂકે અને તેને ભ્રમણા સાબિત કરે એમ બને. રાજકોટની પ્રજા જરૂરી નિઃસ્વાર્થ અને આત્મવિલોપન દેખાડશે? પોતાના અને પોતાના લાગતાવળગતાઓના ઝીણા-મોટા સ્વાર્થ સાધી લેવાની લાલચ સામે લડી શકશે? જેનું કહ્યું સૌ કોઈ ખુશીથી સહેજે માને એવી શાણી અને દૃઢ આગેવાનીની મદદથી આમપ્રજા જે કંઈ સાચે જ મેળવશે તે, સત્તાને સારુ