પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
રાજકોટ

પડાપડી ને હોંસાતોંસી કરવા જશે તો, ખોઈ બેસશે. ખટપટ એ કાઠિયાવાડનો જાણીતો દુર્ગુણ છે. કાઠિયાવાડ જેમ શૂરાઓને નિપજાવનારી ધરતી છે તેમ તે મુસદ્દીઓની પણ ભૂમિ છે. એ વર્ગ પોતાના અંગત સ્વાર્થને આગળ ધપાવવા ઉપરાંત બીજું કશું જ જોનારો નથી. આ વર્ગની જો સરસાઈ થઈ તો રાજકોટમાં રામરાજ્યની આશા સ્વપ્નવત્‌ થઈ જશે. રામરાજ્ય એટલે પહેલેથી આખર સુધી ત્યાગ અને આત્મવિલોપન. રામરાજ્ય એટલે પ્રજાએ પોતાના ઉપર મૂકેલી મરજિયાત શિસ્ત. આવી રચનાત્મક અહિંસા એ રાજકોટની પ્રજા દેખાડી શકશે તો રાજકોટની પ્રભા ચોમેર ફેલાશે અને તેનો દાખલો અનુકરણીય બનશે.

તેથી રાજકોટી પ્રશ્ન આ અવસરે આત્મગૌરવમાં અને નકામા હર્ષાવેશમાં ભાન ન ભૂલતાં પોતાની જીતને નમ્રતાનો, અંતરખોજનો, અને પ્રભુની કરુણા ભાખવાનો અવસર સમજે. હું તેમની પ્રવૃત્તિઓની ખબર રાખ્યા કરીશ, આશા રાખીશ, અને પ્રભુની પ્રાર્થના કરીશ.

બારડોલી જતાં ગાડીમાંથી, ૨–૧–૩૯
હરિજનબંધુ, ૮–૧–૧૯૩૯