પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
હિસા વિ∘ અહિંસા

રક્ષાનો હક આપે છે, તો પછી આવા જંગલી અને અમાનુષ તંત્રનો સામનો કરવામાં એ હકનો ભોગવટો કાં ન કરવો? આ મુદ્દાઓ ઉપર આપ ખુલાસો આપશો ?

ઉત્કલના પેલિટિકલ એજન્ટના થયેલા ખૂનને અંગે આપે પ્રદર્શિત કરેલા વિચારો મેં ફરીફરી વાંચ્યા છે. દિલગીરીની વાત છે કે તેમાં ઉત્કલનાં દેશી રાજ્યોની રૈયત પર ગુજરેલા અમાનુષ અત્યાચારોનો ઉલ્લેખ નથી. એજન્ટનું ખૂન એ દેશી રાજ્યના સત્તાવાળાઓને દયાળુ થવાને દૈવી ચેતવણીરૂપ નથી શું? સરવાળે જોતાં, દેશી રાજ્યોની રૈયત અને પોલિટિકલ ખાતું એ બે વચ્ચે કોણ આપની સહાનુભૂતિને વધુ પાત્ર છે? અને જે ભયાનક દમન માટે પોલિટિકલ એજન્ટ જવાબદાર હતા તેનું શું ? એજન્ટનું ખૂન કમનસીબ બીના છે એ સાચું, પણ એને સારુ કોણ જવાબદાર છે? જો એજન્ટે ઉત્કલના દેશી રાજાઓને યોગ્ય સલાહ આપી હોત અને પોતે ભયાનક દમનમાં ભળ્યો ન હોત તો લોકો ખચીત કાબૂ ખોત નહિ.

આ બીના દેશી રાજ્યોમાં કામ કરનારા સૌને સારુ ચેતવણીરૂપ નીવડવી જોઈએ, એ આપના કથન જોડે હું મળતો છું. પણ સત્ય અને અહિંસાના આપના જેવા મહાન ઉપદેશકે હિંદી સરકારના પોલિટિકલ ખાતાને અને ખાસ કરીને પૂર્વનાં દેશી રાજ્યોની એજન્સીને પણ દેશી રાજ્યોની પ્રજા જોડે કામ લેવામાં જંગલી રીતો ન અખત્યાર કરવા સાથેસાથે કાં ન ચેતવ્યા? એજન્સીની કારવાઈ સાચે જ ભયાનક છે, અને પોલિટિકલ એજન્ટનું ખૂન એજન્સીની પશુતાભરી દમનનીતિની અવધિનું પરિણામ છે. અલબત્ત એ દુર્દૈવી ઘટના છે, પણ એજન્ટ પોતે તેને સારુ જવાબદાર હતો. વળી ટોળાને હાથે મૂએલા એજન્ટ માટે સહાનુભૂતિ દર્શાવીએ તો તે જ જગ્યાએ બીજા બે — ઘણું ખરું પોલીસની હિંસાને પરિણામે — મૂઆ તેમને માટે કાં નહિ? મને તો લાગે છે કે એજન્ટ બૅઝલગેટનું ખૂન સૌ પહેલાં હિંદી સરકારને અને