પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
હિંસા વિ○ અહિંસા

થોડી વાર ઉઘાડાં નથી પાડ્યાં; પણ તે તેમના પર લોકોનો રોષ ઉતારવા નહિ, પણ એ દુષ્કૃત્યોનો અહિંસક સામનો કેવી રીતે કરી શકાય એ લોકોને બતાવવાના જ એકમાત્ર હેતુથી. ઉત્કલમાં સુંદર કાર્ય ચાલી રહ્યું હતું એ વાતનો સંગીન પુરાવો હું આપી શકે એમ છું. આ ખૂનથી ત્યાંના આંદોલનના પ્રવાહમાં વિક્ષેપ પડ્યો. રણુપુર આજે ભેંકાર વગડો થઈ પડ્યું છે, નિર્દોષ દોષી સૌ કોઈ સંતાઈ લપાઈ રહ્યા છે. દમનથી બચવા તેઓ ઘરબાર છોડી નાસી છૂટ્યા છે. એક કે બીજા રૂપમાં ત્યાં થરેરાટી બોલાવાઈ રહેલ છે એમાં શંકા નથી. અને આખા હિંદુસ્તાનને લાચારીપૂર્વક તે આજે નિહાળવું પડે છે. સત્તાવાળાઓને તેમના અમલદારોનાં — ખાસ કરીને તેઓ ગોરા હોય ત્યારે — ખૂનનો બીજી કોઈ રીતે બંદોબસ્ત કરવાની ગમ નથી. અહિંસાનો માર્ગ તેમને ધીમેધીમે નવો રસ્તો શીખવી રહેલ છે. પણ મારી દલીલને વધુ લંબાવવાની જરૂર નથી. હાથના કંકણને આરસીની જરૂર ન હોય. એ રીતોનાં હિંદમાં અત્યારે પારખાં થઈ રહ્યાં છે. કાર્યકર્તાઓએ પોતાની પસંદગી કરવી રહી છે. હું જાણું છું કે ભારતવર્ષની મુક્તિ કેવળ અહિંસાને જ માર્ગે છે. જે કાર્યકર્તાઓ મહાસભામાં રહીને એથી ઊલટું વિચારે છે અગર ઊલટી રીતે વર્તે છે તેઓ પોતાને તેમ જ મહાસભાને ધક્કો પહોંચાડી રહ્યા છે.

બારડોલી, ૧૬–૧–૩૯
હરિજનબંધુ, ૨૨–૧–૧૯૩૯