પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
દેશી રાજ્યો

છે. તેમણે બધા પ્રકારના બખેડાથી તરીને ચાલવું રહ્યું છે. પ્રસંગ આવ્યે પોતાના જ ભાઈઓને હાથે ઝબે થવા તેમણે તૈયાર રહેવાનું છે. તેમણે અહિંસામય અસહકારનું શસ્ત્ર અજબ સફળતાપૂર્વક ચલાવી જોયું છે. એ જ શસ્ત્રને તેઓ અણીશુદ્ધપણે અને સંપૂર્ણતાએ અમલમાં મૂકે અને માત્ર મૂંગા બેસી રહે. પ્રજા માલિક છે. રાજા શું, અમલદારો શું, બધા જ પ્રજાના સેવક છે, જેમણે માલિકની મરજી ઉઠાવ્યે જ છૂટકો છે. જ્યાં પ્રજા જાગી છે, સમજી ગઈ છે અને એક વિચારે વિચારવાની અને વર્તવાની કળા શીખી ગઈ છે, ત્યાં આ સ્થિતિ અક્ષરશઃ સાચી ઠરવાની છે.

બીજાં રાજ્યોની પ્રજાને હું આસ્તેકદમ જવા વીનવું છું. જો તેઓ ધીરજ રાખશે અને પોતાના પર કાબૂ જાળવશે તો આઝાદી એમની જ છે. દરેક સ્થળે લોકો પાકું સંગઠન કરે અને પોતાનું બળ જાણે. આપસના ઝઘડાટંટા દાટી દે, આપસના કજિયાની આગમાં બેને લડાવીને પોતે ફાવવાની ત્રીજાની ભેદેનીતિ પારખવાની અને તેમાં ન ફસાતાં તેનો સચોટપણે સામનો કરવાની સમજ તેમણે કેળવવી જોઈએ. પ્રજાસેવકો અને સુધારકોએ સાચી અહિંસા કેળવી હશે તો આ બધું સહેલ છે.

ત્રાવણકોરવાસીઓ ચેતીને ચાલે. મારી પાસે પૂરતો પુરાવો આવી પડ્યો છે જે બતાવે છે કે ત્યાં હિંદુ, ખ્રિસ્તી, ઈળવા, વગેરે કોમોને આપસમાં લડાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જો જવાબદાર રાજ્યતંત્ર તેમની નેમ હોય તો પોતે અમુક કોમવાળા છે એ તેમણે ભૂલી જ જવું રહ્યું છે. આખી પ્રજા એક જ અવિભાજ્ય રાજદ્વારી એકમ છે, એ એક જ એકડો