પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
રાજકોટની લડત

નિસ્બત છે. આમ ન હોય તો તેમનો કારભાર નર્યો દંભ અને ભ્રમ જ થઈ પડે. આમ ઉત્કલના પ્રધાન જો તાલચેરના ૨૬,૦૦૦ હિજરતીઓને સલામતી તથા બોલવા ચાલવા કે સામાજિક તથા રાજકીય વહેવારોના ક્ષેત્રમાં હળવાભળવાની પૂરી ખોળાધરી સાથે તેમને ઘેર પાછા મોકલી ન શકે, તો તેઓ પોતાની ખુરશીઓમાં નિરાંતે ન જ બેસે. મહાસભા, જે આજે બ્રિટિશ સરકાર જોડે મૈત્રીના નાતા ઉપર છે, તેને બ્રિટિશ સરકારનાં ખંડિયાં રાજ્યો શત્રુ તરીકે અગર બહારના તરીકે ગણે અને તેવી રીતે તેની જોડે વર્તે એ અસહ્ય વાત છે.

પ્રજાને મળેલી સ્વતંત્રતાની સનદને રાજકોટમાં બ્રિટિશ રેસિડેન્ટની ઉશ્કેરણીથી થયેલો આવો હડહડતો ભંગ એવો મહાઅન્યાય છે કે વહેલામાં વહેલી ઘડીએ તેનું પરિમાર્જન થવું જોઈએ. આખા શરીરને કોરી ખાનાર ઝેરના જેવી એ વસ્તુ છે. નામદાર વાઈસરૉય રાજકોટના મામલાનું મહત્ત્વ ઓળખીને આ ઝેર નાબૂદ કરશે?

બારડોલી, ૩૦–૧–૩૯
હરિજનબંધુ, પ–૨–૧૯૩૯