પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

હું તો તેમને સાફ કહીને, અને તેથીયે વધુ મારા પ્રત્યક્ષ વર્તનથી એ વાતનો અમલ કરી બતાવીને જ, તેમને વાળી શકું કે બુરાઈ કરનારનું, તેનાં કરતૂકો ગમે તેટલાં ભૂંડાં અને વસમાં હોય તોપણ, ભલું ચિંતવવું એ સાચો જ નહિ બલ્કે એ જ વધુ લાભનો પણ માર્ગ છે.

રાજાઓને રક્ષણ આપવાની ચક્રવર્તી સત્તાની ફરજ રહેલી છે એ ભલે, પણ એ રાજાઓની હકૂમત હેઠળ વસનારી પ્રજાને રક્ષણ આપવાની પણ એ સત્તાની તેટલી જ ફરજ છે. મને તો લાગે છે કે ચક્રવર્તી સત્તાની એ પણ ફરજ છે કે, જ્યારે એમ સાબિત થાય કે કોઈ રાજ્યકર્તા રાજકોટમાં બન્યું તેમ પોતાની પ્રજા જોડે વિશ્વાસઘાત કરી રહેલ છે, અથવા તો જયપુરમાં થયું છે તેમ એવું સાબિત થાય કે એની પ્રજાને સામાન્ય પ્રજાજનના હકો ભોગવવાની પણ બંધી કરવામાં આવી છે, એના એક પ્રજાજનને આમથી તેમ ધક્કે ચડાવવામાં આવે છે અને એને ન્યાયને સારુ અદાલતો સન્મુખ જઈને ઊભવાની પણ રાહત મળતી નથી — ત્યારે ચક્રવર્તી સત્તાની ફરજ છે કે એવા રાજ્યકર્તાઓને મદદ આપવી બંધ કરવી. ભારતવર્ષનાં દેશી રાજ્યોમાં અત્યારે ચાલી રહ્યું છે તે ઉપર તો હું જેમ જેમ વધુ વિચાર કરું છું તેમ તેમ મને લાગે છે કે, જો દેશી રાજ્યોમાં ચાલી રહેલા ધાગડધિંગાને ચક્રવર્તી સત્તા વચ્ચે પડ્યા વગર ટગર ટગર જોયા જ કરવાની હશે તો, આ દુખિયારા દેશને માટે હું અંધકારમય ભવિષ્ય સિવાય બીજું કશું જોતો નથી. કારણ રાજકોટ કે જયપુરમાં બની રહ્યું છે તે બીજાં રાજ્યોમાં જે બનવાનું છે તેની વાનગી માત્ર છે.