પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
દેશી રાજ્યોનો પ્રશ્ન


આ તારો પોતાની કથની પોતે જ કહે છે. ઉપવાસ છૂટ્યા જાણી મને આનંદ થયો. ચિંતાનું એક કારણ તેથી દૂર થાય છે. પરંતુ જૂઠાણાનો આક્ષેપ ઊભો રહે છે. રાજકોટના કાર્યકર્તાઓને હું અંગત નાતે પિછાનું છું. સત્તાવાળાઓ સામે અત્યાચારનો કેસ ઊભો કરવા માટે તેમણે જો જૂઠાણાનો આશરો લીધો હોય તો તેમણે અને મારે પૂરું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. બીજા દેશી રાજ્યોની જેમ રાજકોટની લડત પણ આઝાદીની લડતનું એક અંગ છે. એકબીજા સામે કાદવ ઉછાળવાથી કાર્યની પ્રગતિ થતી નથી. સત્યની શોધ તો થવી જ જોઈએ.

પ્રથમ સભ્યનો તાર વિશ્વાસઘાતના આક્ષેપનો ઇનકાર કરે છે. આથી હું દિઙ્‌મૂઢ બનું છું. આ ઇનકારનો અર્થ જ મને સમજાતો નથી. કરાર થયા તે દિવસની જાહેરાતની અને સરદાર સાથેના ભંગાણની જાહેરાતની સાદી ભાષા વાંચી જોનાર હરકોઈ બેઉ વચ્ચેનો સ્પષ્ટ વિરોધ સમજી શકે એમ છે.

મેં એમ પણ સૂચવ્યું છે કે રાજકોટના રેસિડેન્ટ આ વિશ્વાસઘાતને માટે જવાબદાર છે. આ આક્ષેપ કરવામાં મેં ઉતાવળ કરી છે, ને આ વસ્તુને બીજી બાજુ છે, એવી ટીકા થઈ છે. એમ હોય તો તે બીજી બાજુ સમજી લેવાની મારી ફરજ છે. આથી હું રેસિડેન્ટને પણ મળવા પ્રયત્ન કરીશ, અને મેં તેમને અન્યાય કર્યો છે એમ મને લાગશે તો હું તેમની જાહેર માફી માગીશ. વળી પરસ્પરના આક્ષેપોની વચ્ચે લોકોની વેદના ચાલુ રહેવા દેવી એ મારે માટે યોગ્ય નથી. તેથી ઓછામાં ઓછું રાજકોટ જઈ, સત્ય શું છે તે જોઉં,