પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૫
અનશન

રાજકોટના ઠાકોર સાહેબનો અંતરાત્મા જાગૃત કરી તેમની પાસે તેમણે પોતાની પ્રજાને આપેલા વચનનું પાલન કરાવવાના ઉદ્દેશથી ગાંધીજી અનિશ્ચિત સમયનું અનશન આદરવાના છે, એવી અફવા સાંભળીને ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’ ના ખાસ પ્રતિનિધિએ તા. ૨ જીએ ગાંધીજીની મુલાકાત લીધી અને આ અફવા ખરી છે કે ખોટી એમ પૂછેલું, તેના ઉત્તરમાં ગાંધીજીએ કહેલું :

“તમારા સવાલના જવાબમાં મારે ‘હા’ કહેવી પડે છે તેને સારુ હું દિલગીર છું. આ ખબર વહેલી ફૂટી ગઈ તેને સારુ પણ હું દિલગીર છું, હું હજી હમણાં મારા કાગળ પ્રસિદ્ધ કરવા માગતો નથી. આ અણીની ઘડીએ તો હું એટલું જ કહેવા ઇચ્છું છું કે એક આખી રાત વગરઊંઘ વિતાવ્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો કે જો મોકૂફ રહેલી લડત ફરી શરૂ કરવી ન હોય, અને જે અત્યાચારો વિષે મેં આટલું બધું સાંભળ્યું છે ને જેને વિષે ર્તમાનપત્રોમાં કરેલા મારા નિવેદનમાં મારે ઉલ્લેખ કરવો પડેલો તે અત્યાચારો પણ પાછા શરૂ થવા દેવા ન હોય, તો આ વેદનાનો અંત આણવાનો કંઈક ચાંપતો ઇલાજ મારે કરવો જોઈએ; અને ઈશ્વરે મને આ ઇલાજ સુઝાડ્યો.

“મેં લેવા ધારેલા પગલાની સાથે હું ઈશ્વરનું નામ જોડું હું તેને પ્રજા હસી ન કાઢે. ખરી કે ખોટી પણ મારી એવી