પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

માન્યતા છે કે હરેક વિપત્તિને પ્રસંગે સત્યાગ્રહી તરીકે મારી પાસે ઈશ્વરની સહાયતા સિવાયનું બીજું કશું જ બળ નથી. અને પ્રજા એટલું અવશ્ય માને કે મારાં જે કાર્યો અકળ ભાસે છે તેનું ખરું કારણ અંતરાત્માની પ્રેરણા જ છે.

સંભવ છે કે આ કદાચ કેવળ મારી સંતપ્ત કલ્પનામાંથી પેદા થયેલી વસ્તુ પણ હોય. એમ હોય તો એ કલ્પનાને હું અણમોલ ગણું છું, કારણ એણે લગભગ ૫૫ થી પણ વધારે વરસના અનેકવિધ ઘટનાઓથી ભરેલા મારા જીવનમાં મને કામ આપ્યું છે; કેમકે હું ૧૫ વરસનો થયો તે પહેલાંથી જ જ્ઞાનપૂર્વક ઈશ્વર પર આધાર રાખતાં શીખ્યો હતો.

“એક બીજી વાત. અનશનનું શસ્ત્ર પૂરા વિચાર વિના ઉગામી શકાય એવું નથી. એ કળામાં કુશળ માણસ એ ન વાપરે તો એમાં હિંસાની ગંધ સહેજે આવી શકે છે. આ વિષયમાં એવો કળાકાર હું છું એવો મારો દાવો છે.

“એ યાદ રાખવાની જરૂર છે કે રાજકોટ અને તેના રાજાઓની સાથે મારે નિકટનો સંબંધ છે. હું ઠાકોર સાહેબને મારા સગા દીકરા સમાન માનું છું, તેથી જાતે કષ્ટ સહન કરીને એમના સ્વભાવમાંના ઉત્તમ અંશને જાગૃત કરવાનો મને પૂરો હક છે. મારો ઉપવાસ ટળશે એવી મને આશા છે. પણ એ ઉપવાસમાં દબાણ છે એવો અર્થ જો કરવામાં આવનાર હોય તો હું એટલું જ કહી શકું કે એવું નૈતિક દબાણ આ પ્રસંગ સાથે સંબંધ ધરાવનાર સહુએ વધાવી લેવું ઘટે છે.

“વચનભંગથી — ખાસ કરીને જ્યારે એ ભંગ કરનારની સાથે મારે કોઈ પણ પ્રકારનો નાતો હોય ત્યારે — મારું અંતર સમસમી ઊઠે છે. અને એને સારુ મારે આજે ૭૦