પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
અધીરું કાઠિયાવાડ

બીજું કારણ પણ તેટવું જ સબળ છે. હું જાણતો જ ન હતો કે શરતો કબૂલ કરીને પરિષદ ભરવાનો ઇરાદો કાર્યવાહકોએ રાખેલો હતો. આવા કાર્યમાં શરતો કબૂલ કરવાની હું વિરુદ્ધ છું એમ મેં ઘણી વેળા જણાવેલું છે. પરિસ્થિતિને લીધે શરતો કબૂલ કરવાની આવશ્યકતા હોય એ નોખો સવાલ છે. પણ જ્યારે શરત કબૂલ કરવાના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો ત્યારે પછી તે વસ્તુ સત્યાગ્રહનો વિષય ન રહી. અમુક શરતે પરિષદ ભરવાનું કબૂલ કરીએ તો સોનગઢ ભરવાની શરત કેમ ન કબૂલ કરીએ ? શરત કબૂલ કરવામાં હેતુ એ હતો કે અત્યારે પ્રજાજીવન બીજી રીતે જાગ્રત ન થઈ શકે. એ હેતુ નિરર્થક કે પાપી નથી. બીજી જગ્યાએ પરિષદ ભરવામાં પણ એ જ હેતુ લાગુ પડે છે. સત્યાગ્રહ કરીએ તો પરિષદ ભરવામાં પણ એ જ હેતુ લાગુ પડે છે. સત્યાગ્રહી મરતાં સુધી લડે. લડતાં લડતાં મૂઓ એટલે તેનો તો વિજય થયો, એવી સત્યાગ્રહમાં માન્યતા રહેલી છે. સત્યાગ્રહ કરતા સત્યાગ્રહીઓ જેલમાં ગયા એટલે તેઓએ પોતાનું કાર્ય સંપૂર્ણ કર્યું પણ પરિષદ તો ન ભરાઈ. અત્યારે હેતુ गमे तेम પણ પરિષદ ભરવાનો હતો. ‘આપણી શરતે ભરાય તો ભરવી છે, નહિ તો નથી ભરવી,’ એ સત્યાગ્રહનો વિષય છે. ‘જેમ તેમ કરીને ભરવી’ એ સત્યાગ્રહનો વિષય ન બની શકે. સરકાર આપે તે સ્વરાજને સારુ પ્રજા સત્યાગ્રહ કરવાની તૈયારી નથી કરી રહેલી. પ્રજા માગે તેવા સ્વરાજને સારુ પ્રજા આ ઉગ્ર બળ કેળવી રહી છે. વગરશરતે પરિષદ ભરવાનો નિશ્ચય જ્યારે કાઠિયાવાડ કરે ત્યારે જ તેની સામે સત્યાગ્રહ કરવાની ફરજ આવી ઊભે છે. શરતી પરિષદ