પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

ઉત્પન્ન થઈ છે. પણ મારી દૃષ્ટિએ તો એ પણ રાજાપ્રજાના રક્ષણાર્થે છે ને ફરી સમાધાની ન ભાંગી પડે એ દૃષ્ટિએ છે.

છેવટમાં આપને વિશ્વાસ આપું કે જે રિપોર્ટ સમિતિ તૈયાર કરશે તે જો મારો દેહ હશે તો તપાસીશ; મારો દેહ નહિ હોય તો સરદાર વલ્લભભાઈ તપાસશે; અને તેમાં એક પણ કલમ એવી નહિ રહે કે જેથી આપની પ્રતિષ્ઠાને કે રાજ્યને કે પ્રજાને હાનિ પહોંચે.

આની નકલ હું ગિબસન સાહેબને મોકલું છું.

આ કાગળ હું તુરત પ્રગટ નથી કરતો, અને આશા તો એવી સેવું છું કે મારી સૂચનાનો આપ હર્ષપૂર્ણવ સ્વીકાર કરશો ને આ પત્ર પ્રગટ કરવાનો ધર્મ મારી ઉપર નહિ આવી પડે.

પ્રભુ આપનું કલ્યાણ કરો, આપને સન્મતિ આપો.

મોહનદાસના આશીર્વાદ
 


ઠાકોર સાહેબનો જવાબ

પ્રિય મહાત્મા ગાંધી,

તમારો કાગળ ગઈ કાલે મળ્યો. વાંચીને ઘણી જ દિલગીરી થઈ છે. તમને હું ખાતરી આપી ચૂક્યો છું કે તા. ૨૬–૧૨–૩૮ ને રોજ મેં કાઢેલી જાહેરાત હજુયે કાયમ રહે છે. સમિતિનાં નામોને લગતી તમારી સૂચના એ જાહેરાતને અનુસરીને નથી તેથી તે, તેમ જ બીજી સૂચનાઓ જે તમે કરી છે તે, સ્વીકારવાનું મને વાજબી લાગતું નથી. સમિતિ યોગ્ય અને રાજ્યનાં જુદાં જુદાં હિતોના સાચા પ્રતિનિધિ હોય એવા