પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
પ્રેમપંથ પાવકની જ્વાળા


તેથી સાચાં કે માની લીધેલાં દુઃખોની દાદ મેળવવા ખાતર ઉપવાસ કરવા ઇચ્છનાર તમામ લોકોને મારું અનુકરણ કરવા સામે હું ચેતવું છું. ઉપવાસ એ કેટલીક જલદ માત્રાઓની જેમ કેવળ અતિ જૂજ પ્રસંગોએ અને નિષ્ણાતની દોરવણી હેઠળ લેવાનો ઇલાજ છે. દરેક જણે પોતાને નિષ્ણાત સમજવું એ અનુચિત છે, પાપ છે.

જાહેર પ્રજા જાણે કે મારી જિંદગીમાં બહુ વહેલેથી આત્મશુદ્ધિ અર્થે હું ઉપવાસ કરતો આવ્યો છું. મારા એક ભૂલ કરનાર પુત્રને ખાતર મેં પહેલવહેલા લાંબો ઉપવાસ કરેલો. થોડા સમય બાદ એથીયે વધુ લાંબો ઉપવાસ એક પરમ મિત્રની પુત્રીની ભૂલને સારુ કરેલો. આ બન્ને દાખલામાં ઉપવાસનું સુપરિણામ આવ્યું હતું. પહેલો જાહેર ઉપવાસ મેં દક્ષિણ આફ્રિકામાં ત્યાંના સત્યાગ્રહની લડતમાં જોડાયેલા ગિરમીટિયાઓનાં દુઃખોને અંગે કર્યો હતો. ઉપવાસનો મારો એક અખતરો નિરર્થક પ્રયત્ન નીવડ્યાનું મને સ્મરણ નથી. ઊલટું, સફળતા ઉપરાંત એ બધા ઉપવાસો દરમ્યાન મને અણમૂલ શાંતિ અને અપરંપાર આનંદનો અનુભવ થયો છે. બાકી તો હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઉપવાસની પ્રેરણા જો કેવળ ઈશ્વરી અનુગ્રહરૂપે જ ન થઈ હોય તો તે અર્થહીન ભૂખમરો છે કે તેથીયે બૂરી વસ્તુ છે.

બીજી વાત એ કહેવા ઇચ્છું છું કે ઠાકોર સાહેબ, તેમના સલાહકારો અગર તો રેસિડેન્ટ વિષે કોઈ કડવો શુકન ન કાઢે, ન લખે. રેસિડેન્ટ વિષે તેમ જ રાજ્યના અમલદારો વિષે મેં આ અગાઉ આકરી ભાષા વાપરી છે. એથી મેં