પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

ઘી હોમવા જેવો ગણાય. કાગળમાં એમણે રજૂ કરેલી વિચારસરણી એમણે તા. ૨૬–૧૨–૩૮ની જાહેરાત ઘડીને સરદારને આપી ત્યાર પછી હવે અપ્રસ્તુત છે. એ જાહેરાતમાં આ શબ્દો હતા :

“એવું કબૂલ કરવામાં આવ્યું છે કે આજે રાજ્ય તરફથી કરવામાં આવેલી જાહેરાતની કલમ ૨ જીમાં જણાવેલી સુધારા સમિતિ ઉપર સાત સભ્યો સરદાર વલ્લભભાઈ સૂચવશે અને તેમની નિમણૂક અમારે કરવાની છે.”

આ ભાષા અસંદિગ્ધ અને ભારવાળી છે. આ જાહેરાતથી ઠાકોર સાહેબે નામો પસંદ કરવાની જવાબદારી સ્વેચ્છાએ આપી દીધી છે. નિમણૂકની જવાબદારી તો ઠાકોર સાહેબ ઉપર રહે જ છે, પણ નિમણૂકની શરત એ છે કે નામો સરદારે ભલામણ કરેલાં હોવાં જોઈએ. તેથી ઘટતી ભલામણો કરવાની જવાબદારી સરદાર ઉપર ગઈ છે અને ઠાકોર સાહેબની ઈચ્છાથી આમ થયું છે.

જો સરદારની ભલામણ રાજ્યકર્તાને અગર તેમના સલાહકારોને અઠીક લાગી હોય, તો તેમની જોડે વાટાઘાટ કરવાનો અને બીજી ભલામણો કરવા સરદારને સમજાવવાનો માર્ગ તેમને સારુ ખુલ્લો હતો. પણ જો સરદાર તેવી સમજાવટથી ન માને તો સરદારની ભલામણો માન્ય રાખવાનો ઠાકોર સાહેબનો ધર્મ હતો, કારણ નામ પસંદ કરવાની જવાબદારી ઠાકોર સાહેબ પોતે છોડી ચૂક્યા હતા. બુદ્ધિથી પણ એ જ સમજાય એવું છે કે જેમને સારુ જાહેરાત કાઢવી જરૂરી થઈ તેમની પસંદગીની સમિતિ નિમાય તો જ રાજ્યની જાહેરાતમાં કરેલો સમિતિને લગતો ઉલ્લેખ સાર્થક થયો ગણાય નહિ તો