પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૯
એનો મર્મ

રાજકોટ પ્રકરણ વિષે તાજા થયેલા સમાધાન વિષે ટીકાકાર કહી શકે છે : ‘તમને એવું શું મળી ગયું કે તમે ઉપવાસ છોડ્યા ? કેદીઓ છૂટવા ઉપરાંત તમારી માગણીમાંની એક પણ હજુ પૂરી કરવામાં નથી આવી. કેદીઓને છોડવવા સારુ તો કંઈ તમે ઉપવાસ નહોતા જ માંડ્યા.’

ઉપરટપકે જોતાં આ દલીલ સચોટ છે, નિષ્ઠુરપણે સચોટ છે. મારો જવાબ એક જ છે : શબ્દાર્થ નિર્જીવ વસ્તુ છે, શબ્દની પાછળ રહેલો ભાવ એ જ જીવનદાયી વસ્તુ છે.

અહીં જીવનદાયી વસ્તુ એ છે કે આ મામલામાં રાજકોટ આખા ભારતવર્ષની દૃષ્ટિએ પ્રતિનિધિરૂપ બન્યું છે. ઠાકોર સાહેબનું સ્થાન ના. વાઈસરૉયે લીધું છે, ને તેમનો શબ્દ ન માનવાનું મને કશું જ કારણ નથી.

ઠાકોર સાહેબે મારી બધી માગણીઓ સ્વીકારી હોત તોપણ તે પૂરી થવા બાબતમાં મારા મનમાં વસવસો રહેત. અને છતાં તેનો સ્વીકાર તો મારે કરવો જ પડત. અહીં તો મેં પોતે સરદારને ઠાકોર સાહેબે આપેલા કાગળમાં રહેલા અર્થને જાણીબૂજીને શંકાનો વિષય બનવા દીધો છે. હું તો એમ જ માનીને ચાલ્યો હતો કે એ કાગળનો એક જ અર્થ થઈ શકે, એમાં બે અર્થ થઈ શકે એમ હતું જ