પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
રાજકોટની પ્રજા પ્રત્યે

તો ખરું, પણ પ્રજા તેને ઝીલશે? શોભાવશે? આનો જોઈતો જવાબ આપવા સારુ પ્રજાએ આજથી તૈયારી કરવી ઘટે છે. સભાઓ અને ભાષણોની જરૂર હવે થોડી હોવી જોઈએ. અને રહે તો તેનો ઉપયોગ લોકોને જોઈતું શિક્ષણ આપવા પૂરતો હશે. સફળતા મેળવવા સારુ દરેક સ્ત્રીપુરુષે પોતાનો ફાળો આપવો પડશે.

૧. હિંદુ, મુસલમાન ઇત્યાદિ વચ્ચે ફૂટ ન હોવી જોઈશે.
૨. હિંદુમાં ઊંચનીચના, સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદભાવો વર્તે છે, તે નાબૂદ થવા જોઈશે.
૩. આપણો કારભાર સત્ય અને અહિંસાને આશ્રયે ચાલવાનો છે, એટલે પરસ્પરના વહેવારમાં અહિંસા કેમ કામ કરે છે એ સમજાવું જોઈશે.
૪. લોકસમસ્તમાં સેવાની ભાવના પેદા થવી જોઈશે.
૫. કેટલાંક નવયુવકો ને યુવતીઓએ પોતાની સેવા પ્રજાને અર્પવી જોઈશે.
૬. ખટપટ અને દ્વેષભાવ જઈને આપણામાં નિયમન આવવું જોઈશે.
૭. લોકોએ ઉદ્યમી થવું જોઈશે; ને તેથી તેઓ કાંતણ ઇત્યાદિ કરે ને ખાદીવ્રત લે.
૮. ભણેલાં અભણને અક્ષરજ્ઞાન આપે.

રાજકોટ, ૯–૩–૩૯

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું, પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય.