પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

અને ખરા હક કે અધિકાર એ જે કેવળ પાળેલા ધર્મોમાંથી ઉત્પન્ન થાય છે. જે સેવાધર્મ પાળે છે તેને જ શહેરીના ખરા હક મળે છે, ને તે જ તેને જીરવી શકે છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન થાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જે પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે. અને તેવા માણસ પોતાના અધિકારને પણ સેવા સારુ વાપરે છે, સ્વાર્થ સારુ કદી નહિ.

પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિના શહેરી તરીકેના પોતાના ધર્મના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈ ને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય નથી હોતો. અધિકાર આવશ્યક હોય ત્યારે એની મેળે દોડી આવે છે.

આવા વિચારની આપલેમાંથી ગઈ કાલે કાર્યકર્તાઓની સભાએ એ નિર્ણય કર્યો કે, ચૂંટી કાઢેલા સ્વયંસેવકો અને સેવિકાઓ ગામડાંમાં તેમ જ શહેરમાં લોકોને સ્વરાજના ધર્મના પાઠ આપે. જેમકે ગામડાંમાં જનાર સ્વયંસેવક લોકોને ગામડાંને સાફ અને સ્વાવલંબી કરવાનો ધર્મ શીખવે. સ્વરાજમાં ગામડાં સરકાર સાફ કરી નહિ દે, પણ લોકો તેને પોતાનાં માની પોતે જ સાફ કરશે. ગામડાં ગ્રામઉદ્યોગો નાશ થવાથી પાયમાલ થઈ ગયાં છે. તેનો પુનરુદ્ધાર ગ્રામઉદ્યોગોનો ઉદ્ધાર કરવાથી જ થવાનો છે. આમાં રેંટિયો