પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

રહેલી વસ્તુ છે. પટ્ટણી સાહેબ એ વાતાવરણને તરી જાય એમ આપણે ઇચ્છીએ. માત્ર અત્યારે આપણે પટ્ટણી સાહેબની નીતિના ચોકીદાર નથી બન્યા. જ્યારે કાઠિયાવાડને ટીંબે શુદ્ધ સત્યાગ્રહીનો પાક ઊતરવા માંડશે ત્યારે પટ્ટણી સાહેબ જેવાની પાસે અત્યાચારનું વાતાવરણ જ નહિ હોય. ત્યારે તેઓ પણ સત્યાગ્રહી બને તો મને નવાઈ ન લાગે.

પટ્ટણી સાહેબ અને રાજાઓ પોતે જો નબળા વાતાવરણમાં ન રહેતા હોય તો ઉપર મુજબના હુકમો કાઢી જ ન શકે. પરિષદો ભરવી એ તો પ્રજાનો હક હોવો જ જોઈએ. તે વિના રાજાને પ્રજામતની ખબર ન પડે. રાજાને વગોવવાનો ને ગાળો દેવાનો પ્રજાને હક છે. ગાળ દેનારને દંડ દેવાનો રાજાને હક છે. રામના જેવા રાજા હોય તો પોતાને ગાળ દેનારનો દંડ પણ ન કરે. તેણે તુચ્છ ધોબીનો દંડ ન કર્યો, પણ સીતા જેવા અમૂલ્ય સ્ત્રીરત્નનો એક ક્ષણમાં ત્યાગ કરતાં તેને શરમ સરખી પણ ન આવી. અને આજે એવા બેશરમ રામને મારા જેવા અસખ્ય હિંદુ પૂજે છે. પ્રજાએ કરેલી સ્તુતિથી રાજાઓનાં પતન થયાં છે. પ્રજાની ગાળો સાંભળતા થઈ જાય તો અવશ્ય તેઓની ઉન્નતિ થાય.

ગાળ દેવાનો હક લઈ ગાળ ન દેવી એ સત્યાગ્રહીનો ધર્મ. એ ધર્મનું સંપૂર્ણ પાલન સોનગઢમાં થાય એમ હું ઈચ્છુ છું.

પરિષદમાં કાઠિયાવાડીઓ શું શું કરી શકે એ આવતે અઠવાડિયે વિચારીશું.

નવજીવન, ૨૧–૫–૧૯૨૪