પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
રાજકોટની પ્રજા પ્રત્યે

મધ્યબિંદુ છે, તે તેની આસપાસ બીજા ધંધા ગોઠવાયેલા રહે છે. રાજકોટ રાજ્યમાં બધાં પોતાનો ધર્મ સમજે તો કોઈ સ્વદેશી કપડાં નહિ પહેરે, પણ સહુ પોતે કાંતેલા સૂતરની કે રાજ્યમાં કંતાયેલા સૂતરની ખાદી પહેરશે. આમ લોકો ઉદ્યમી થઈ જાય ને પ્રજાના કલ્યાણ સારુ ઉદ્યોગો કરે તો પ્રજાના લાખો રૂપિયા બચે, પ્રજાનું ધન વધે, ને પ્રજા ઓછામાં ઓછા કર ભરી વધારેમાં વધારે સુખી થાય. જેઓ પ્રજાને અર્થે મહેનત કરે છે તે રૂપિયા આપી કર ભરનારના જેટલો જ કર ભરે છે. રૂપિયો અમુક મહેનત કર્યાની સંજ્ઞા છે. તેની બહાર રૂપિયાની કાંઈ કિંમત નથી. હું એક રૂપિયાનો બજારમાંથી આટો લાવું તેનો અર્થ એ થયો કે, ઘઉં ઉગાડનાર, તેને લાવનાર, તેને દળનારની મજૂરી મેં ચૂકવી. એટલે ખરો ધનિક અને મૂડીદાર તે જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે તે મજૂર કે મહેનત કરનાર છે. હું રાજ્યને દર વરસે એક રૂપિયો કર આપું કે એક રૂપિયા જેટલી મહેનત આપું એ બંને સરખાં છે, ને કેટલીક વાર રાજ્યને નાણાં કરતાં મહેનત વધારે કીમતી થઈ પડે છે. મહેનનરૂપી કર પ્રજાને પુષ્ટ કરે છે. જ્યાં પ્રજાજન સ્વેચ્છાએ પ્રજાસમસ્તના કલ્યાણ અર્થે મહેનત કરે છે ત્યાં નાણાંની આપલે કરવાની ઓછી જરૂર રહે છે, કર વસૂલ કરવાની અને તેનો હિસાબ રાખવાની મહેનત બચી જાય છે; છતાં પરિણામ કર આપ્યા જેટલું જ આવે છે.

ઉપર પ્રમાણે તાલીમ દરેક સ્ત્રીપુરુષને મળવી જોઈએ. રાજ્યની મિલકત તે પ્રજાની મિલકત છે. ના. ઠાકોર સાહેબ તેના ટ્રસ્ટી છે. ટ્રસ્ટી તરીકે તેમણે પોતે ને રાજકુટુંબીઓએ પોતાનો ધર્મ પાળવો જોઈએ, અને એ ધર્મપાલનમાંથી તેઓને