પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

કરનારી પરિચારિકાને આપી દીધી હતી. તે દિવસ પછી હંમેશ મને ઉપવાસનો ડર રહ્યા કર્યો. આ પછી તા. ૬ઠ્ઠી અને ૧૩ મી એપ્રિલના ૨૪ કલાકના દર વરસના ઉપવાસોએ પણ મને બતાવી આપ્યું છે મારું શરીર હવે કોઈ પણ લાંબા ઉપવાસ ખમી શકે એવું રહ્યું નથી.

તેથી હું સેવાગ્રામથી નીકળ્યો તે ઘડીએ રાજકોટ જઈને ઉપવાસ આદરવાનો ખ્યાલ હળવા મનથી કરવાનું મારે માટે અસંભવિત હતું. જો તેવા કશા સંકલ્પ સાથે હું નીકળ્યો હોત તો તેવા સંકલ્પની મિત્રોને અગાઉથી ખબર આપવાને હું વચનથી બંધાયેલો હતો. આમ પૂર્વસંકલ્પ જેવું કશું હતું જ નહિ. એ વસ્તુ તો એકાએક જ મને સ્ફુરી, અને તે મારા અંતરાત્માની તીવ્ર વેદનામાંથી જ જન્મી. ઉપવાસ અગાઉના મારા આર્ત હૃદયની પ્રાર્થનામાં વીત્યા હતા. જે રાત્રે ઉપવાસનો મારો નિરધાર થયો તેની આગલી રાતના અનુભવે મને સાવ ગૂંગળાવી નાંખ્યો હતો. શું કરવું તે મને સૂઝે નહિ. સવાર પડ્યું ને મને માર્ગ સાંપડ્યો. મારે શું કરવું રહ્યું હતું તે મેં જાણ્યું હતું, પછી ભલે તેની ગમે તે કિંમત આપવી પડે. પ્રભુનો જ દોરવ્યો હું દોરાઉં છું એવી મારી શ્રદ્ધા ન હોત તો મેં કર્યો તે નિશ્ચય હું કદાપિ કરી શકત નહિ.

આટલું રાજકોટના ઉપવાસ વિષે.

ઉપવાસ એ સત્યાગ્રહના શસ્ત્રાલયમાં એક મહાશક્તિવાળું શસ્ત્ર છે. હરકોઈથી ચલાવી શકાય તેવું તે નથી જ. નરી શારીરિક લાયકાત એ એને સારુ લાયકાત નથી. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા સિવાય એ સાવ નિરુપયોગી છે. વિચારરહિત