પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
ઉપવાસ વિષે

મનોદશાથી કે નરી અનુકરણવૃત્તિથી તે કદી ન થવો જોઈએ. પોતાના અંતરાત્માના ઊંડાણમાંથી જ તે ઊઠવો જોઈએ. મારા સાથીઓમાંથી એકેને રાજદ્વારી ક્ષેત્રમાં ઉપવાસ કરવાની પ્રેરણા આજ સુધી કદી નથી થઈ, એ નોંધવાજોગ બિના છે. અને એ પણ હું આભારની લાગણી સાથે કહી શકું એમ છું કે એમણે મારા ઉપવાસો પ્રત્યે કદી રોષ દર્શાવ્યો નથી. મારા આશ્રમવાસી સાથીઓએ પણ બહુ જૂજ પ્રસંગો સિવાય ઉપવાસને સારું અંતરનાદ અનુભવ્યો નથી. વળી એમણે એવી મર્યાદા પણ પોતાના ઉપર સ્વીકારી લીધી છે કે, પ્રાયશ્ચિત્તસ્વરૂપના ઉપવાસોની બાબતમાં સુધ્ધાં કોઈને ગમે તેટલો તીવ્ર અંતરનાદ હોય તોપણ મારી રજા વિના કોઈ ઉપવાસ કરે નહિ.

આમ ઉપવાસ એ એક અમોઘ શસ્ત્ર હોવા છતાં તેને અવશ્ય કડક મર્યાદાઓ રહેલી છે. જેઓ તેમાં અગાઉથી સારી પેઠે ઘડાયા છે તે જ તેને ચલાવી શકે. વળી મારા ધોરણથી માપી જોતાં તો ઘણાખરા ઉપવાસ સત્યાગ્રહી ઉપવાસની કક્ષામાં જ આવી શકે એમ નથી હોતા, પણ જાહેર પ્રજા જેને ‘લાંઘણ’ કહે છે તેવા હોય છે. એટલે કે તે કશા યોગ્ય વિચાર વગર અને પૂર્વતૈયારી વગર ઉપાડેલા હોય છે. આવી લાંઘણ જો વારંવાર ઉપાડવામાં આવે તો આજે તેની જે જરાતરા અસર છે તે પણ નષ્ટ થશે અને તે નરી હાંસીને પાત્ર બની જશે.

રાજકોટ, ૧૩–૩–૩૯
હરિજનબંધુ, ૧૯–૩–૧૯૩૯