પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

માનું છું કે ચક્રવર્તી સત્તાએ પણ પોતાનાં ક્ષોભ અને અતિસાવચેતી છોડવાં રહ્યાં છે. જો રાજાઓ પ્રત્યે તેમની ફરજ રહેલી છે, તો એ રાજાઓની પ્રજાઓ પ્રત્યે પણ અલબત્ત તેમની તેટલી જ ફરજ રહેલી છે. પ્રજાને અવગણવાના દિવસો વીત્યા છે.

રાજાઓ ન માને તો ચક્રવર્તી સત્તાએ તેમને સ્પષ્ટ ભાષામાં કહી દેવું રહ્યું છે કે પ્રજાને દબાવવાની બાબતમાં તેમને ચક્રવર્તી સત્તાની મદદ નહિ મળે. જે ચક્રવર્તી સત્તા પોતાના પ્રાંતોના કારભાર માટે મહાસભાની પાસેથી પ્રધાનો મેળવે છે તેનાથી એ મહાસભાની ઉપર પડોશનાં દેશી રાજ્યો અપમાનો વરસાવતાં હોય તે વેળાએ મૂંગું ન જ બેસી રહેવાય. આવી વિસંગતિનો તત્કાળ ઉકેલ થવો જોઈએ.

ત્રાવણકોરની પ્રજાને તો હું એટલું જ કહું કે, તેમના ભડવીરો સમય પહેલાં ઝડપાઈ ગયા એમાં તેમના કાર્યને લાભ જ થયો છે. એ ધરપકડોનો જો તેઓ ડહાપણભર્યો ઉપયોગ કરી જાણશે તો જ એ લાભ તેમને ભાણે આવશે. જો હિંસા થવાનું સહેજ પણ જોખમ હોય તો સરઘસો વગેરે કશાં પ્રદર્શનો તેઓ ન જ કરે. સૌ કાઈ રચનાત્મક કામમાં વળગી જાય. સવિનય ભંગ શરૂ કરવાની તારીખને સારુ કોઈ અધીરું ન થાય. હું સલાહ આપવી ચાલુ રાખું એમ જો તેઓ ઇચ્છતા હોય તો મને પરિસ્થિતિનો અભ્યાસ કરી વાકેફ થવા દેવો જોઈએ. તેથી કરી વિનય ભંગ શરૂ કરતા પહેલાં મારા અભિપ્રાયની તેઓ વાટ જુએ.

સવિનય ભંગ સત્યાગ્રહનો એક ગૌણ અંશ માત્ર છે. પ્રજા આખી, સૌથી અભણ અને દલિત થર સુધીની, મૂંગી