પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







કાઠિયાવાડ શું કરે ?

રાજકીય પરિષદ ભરવા વિષે ગયે અઠવાડિયે મેં મારો વિચાર સંપૂર્ણ રીતે રજૂ કર્યો. પરિષદ ભરાશે કે નહિ, ભરાશે તો ક્યાં ભરાશે, વગેરે વિષે હું કંઈ જાણતો નથી. હું એટલું જાણું છું કે મને મળવા આવેલા કેટલાક ભાઈઓમાં પણ નિરાશા પેદા થઈ છે. તેઓ ભારે સત્યાગ્રહી હોવાનો દાવો કરનારા છે. તેઓને મારે જણાવવું જોઈએ કે, સત્યાગ્રહીના શબ્દકોશમાં નિરાશા કે તેના અર્થવાળો શબ્દ જ હોતો નથી, તેઓને નિરાશા કેમ થઈ એ પણ હું નથી સમજતો, તેઓ તો મારા અભિપ્રાયને મળતા હતા. પણ ધારો કે મારા ‘તેજ’માં અંજાઈ ગયા. તો ‘તેજ’ બહાર નીક્ળ્યા પછી સાવધાન થવાનો ને ફરી વિચારવાનો તેઓને અધિકાર હતો. તેમ વિચારતાં તેઓને લાગ્યું હોય કે કાર્યવાહકોની કશી ભૂલ નથી થઈ ને શરતો કબૂલ કરીને પરિષદ ભરવાનું કહેવા છતાં દરબાર પરવાનગી ન આપે તો તેવી સ્થિતિમાં સત્યાગ્રહ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય છે, તો તેઓ અથવા તેઓમાંના એક પણ સત્યાગ્રહ કરી શકે છે. સાથ વિના પણ સત્યાગ્રહ થઈ શકે એ તેની ખૂબી છે. મારા વિરોધી અભિપ્રાયને લીધે પ્રજામતમાં ભેદ પડે એ હું સમજી શકું છું. પણ જેને સત્ય દેખાયું છે તે સત્યાગ્રહની પ્રચંડ શક્તિનો ઉપયોગ કરીને તે