પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૬
મારી વ્યથા

આજ સાંજના દેખાવને અંગે મને સૌથી વધારે દુઃખ એ વાતનું થયું કે દેખાવ કરનારાઓએ જેને હું દિવસનો પવિત્રમાં પવિત્ર સમય ગણું છું તે સમય દેખાવ કરવા માટે પસંદ કર્યો. આખું હિંદુસ્તાન જાણે છે કે, વરસો થયાં હું સાંજની પ્રાર્થના ખુલ્લામાં જનસમુદાય આગળ કરતો આવ્યો છું ને એમાં લગભગ કદી વિક્ષેપ પડ્યો નથી. એમણે મને સતાવવા માટે મારો પ્રાર્થનાનો સમય શા સારુ પસંદ કર્યો ? વળી જે સખ્યાબંધ સ્ત્રી પુરુષ બાળકો દિવસને અંતે આપણા સૌના એક ને અદ્વિતીય એવા ઈશ્વરની નમ્રભાવે પ્રાર્થના કરવા આવ્યાં હતાં, તેમણે આવી દખલને પાત્ર થવા જેવું શું કર્યું હતું ? હું પ્રાર્થના સિવાય બીજે પ્રસંગે બહાર જતો નથી એમ હતું, તો મેં પ્રાર્થનાભૂમિમાં પ્રવેશ કર્યો તે ઘડીએ પોકારો કરીને ને કાળા વાવટા ફરકાવીને એમણે સંતોષ કાં ન માન્યો ? એ પણ સારી પેઠે ભૂંડુ તો ગણાત.

પણ એમણે તો પ્રાર્થના ચાલી તેટલો બધો વખત જોરજોરથી પોકારો કરવા ચાલુ રાખ્યા. એ બધા દેશબંધુઓ હતા. એક તરફ હું પ્રાર્થનાના શબ્દો પર ચિત્ત એકાગ્ર કરવા મથતો હતો, બીજી તરફ એમની બૂમો મારા કાનમાં તીરની પેઠે ભોંકાતી હતી. ગમે તેવા બાહ્ય વિક્ષેપ છતાં તેની મન પર