પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

કશી અસર ન થાય એવી અવિચળ ધ્યાનની શક્તિ મેં હજુ પ્રાપ્ત નથી કરી. એમને ખબર હતી કે એમના વિરોધી દેખાવ અને એમનો રોષ નિહાળવાને એમણે મને એમની સભામાં હાજર રહેવા બોલાવ્યો હોત તો, હું શરીરે અશક્ત છતાં, ત્યાં ગયો હોત ને એમને શાંત પાડવા મેં પ્રયત્ન કર્યો હોત.

હું દૃઢતાપૂર્વક કહું છું કે મેં મુદ્દલ વચનભંગ કર્યો નથી. મારી જાણ પ્રમાણે, મારી આખી જાહેર તેમ જ ખાનગી કારકિર્દી દરમ્યાન, મેં આપેલું વચન કદી તોડ્યું નથી. આ પ્રસંગમાં તો વચનભંગને માટે કશો હેતુ જ રહેતો નથી. પણ મેં રખેને ઉતાવળમાં એવું વચન આપ્યું હોય જેમાંથી મેં ૧૧મી માર્ચે ભાયાતોને લખેલા કાગળનો મેં કરેલો એથી બીજો કંઈ અર્થ થતો હોય એમ વિચારીને, મેં રાજકોટમાં જેટલા વકીલ મિત્રોને ભેગા કરી શકાય એટલાને કરીને પૂછી જોયું ને એમનો પૂર્વગ્રહરહિત અભિપ્રાય માગ્યો. મેં એમને કહેલું કે, ‘તમે પૂરા કારણ વિના મારા કાગળના મેં કરેલા અર્થને ટેકો આપવા જશો તો તમારી પ્રતિષ્ઠા ખોઈ બેસશો.’ એમને દલીલો સાથેનો ને એકમતવાળો અભિપ્રાય મારી પાસે પડેલો છે, તે મારા અર્થનું પૂરેપૂરું સમર્થન કરે છે ને બીજો અર્થ થઈ જ ન શકે એમ જણાવે છે.

મને બીક છે કે વિરાધી દેખાવો કરનારાઓએ નિર્દોષ સ્ત્રીપુરુષોની પ્રાર્થનામાં અકારણ ખલેલ કરીને પોતાની હિલચાલને બળ નથી આપ્યું. વડા ન્યાયાધીશના ચુકાદાનો યોગ્ય અમલ કરાવવામાં પહાડ જેવડાં વિઘ્નો આડાં પડેલાં છે.