પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯
હું હાર્યો

સાહેબ ઉપર વિશ્વાસ મૂકવા તૈયાર હો તો તે ઠેઠ સુધી એમની ઉપર અને એમના સલાહકાર ઉપર વિશ્વાસ કાં નથી મૂકતા? તમને કદાચ માગો છો તે બધું નહિ મળે, પણ જે કંઈ મળશે તે તેમના સદ્‌ભાવ સાથે મળ્યું હશે અને તેના પૂરા અમલની બાંહેધરી તેમાં હશે. પરિષદવાળા ઠાકોર સાહેબ વિષે તથા મારે વિષે શું શું બોલ્યા છે તે તમે જાણો છો ? પોતાના રાજા પાસેથી સુધારા મેળવવા ઇચ્છતી પ્રજાના આ રસ્તા ?” દરબાર વીરાવાળાનાં આ વચનોમાં કડવાશ અને પરિષદના લોકો પ્રત્યેનો તિરસ્કાર ટપકતાં હતાં. પણ અહિંસાના અપૂર્ણ અમલના એકાએક થયેલા ભાનને પ્રતાપે, એમણે કરેલો ઘા ચુકાવવાને બદલે, મનુષ્યસ્વભાવના મૂળમાં પડેલી ભલાઈ વિષેની મારી આસ્થાની ઊણપ તથા મારી અહિંસાનું દારિદ્ર્ય બતાવનારું એમની દલીલમાં પડેલું વજૂદ મેં પિછાન્યું. આમ અમારી વાતો ચાલુ રહી અને ઘણી દરખાસ્તો અમે ચર્ચી. પણ કશો સાર ન નીકળ્યો. ગૂંચનો કોઈ યે ઉકેલ હું પામી શક્યો નહિ. છૂટા પડતાં એટલી લાગણી મને થઈ ખરી કે અમે એકબીજાને વધુ ઓળખતા થયા હતા, અને દરબાર વીરાવાળાને રીઝવવાનો પ્રયાસ કરવામાં મેં યોગ્ય જ કર્યું હતું. હું પાટે હતો, ચાતર્યો નહોતો.

અને તેથી મેં સાથીઓ આગળ ઉકેલને સારુ આ નવી દૃષ્ટિ રજૂ કરી. તેમણે મને અનેક વેળા કહ્યું હતું કે, રાજકોટની તમામ આફતનું મૂળ દરબાર વીરાવાળા છે અને તે જાય એ રાજકોટને પૂરું સ્વરાજ મળ્યા બરોબર છે. મેં તેમને સમજાવ્યું કે એ તો સુ-રાજ્ય થયું, સ્વ-રાજ નહિ. ગઈકાલની બેઠકમાં મેં કાર્યકર્તાઓને કહ્યું કે, જો અહિંસાનો