પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫
રામદુર્ગનો હત્યાકાંડ

તોફાન ગામડાંમાં કામ કરનારા મહાસભાવાદીઓ કરી રહ્યા છે. એમને કડક નિયમનમાં આણવામાં મુશ્કેલી ન આવવી જોઈએ.

રામદુર્ગમાં જે બનાવો બન્યા છે તેને માટે નિષ્પક્ષ તપાસ થાય એવી મારી સૂચના છે. કર્ણાટક પ્રાંતિક સમિતિએ એ કામ હાઈકોર્ટના કોઈ ન્યાયાધીશને સોંપવું જોઈએ. રાજાસાહેબ જો મદદ કરે તો આ કામ સહેલું થઈ પડશે. પણ તે મદદ ન કરે તોપણ સત્ય શોધી કાઢવામાં કશી મુશ્કેલી ન પડવી જોઈએ.

રામદુર્ગની હિલચાલનું બીજું એક માઠું પરિણામ આવ્યું છે. તેણે કોમી રૂપ ધારણ કર્યું છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર એવા એ પક્ષ પડી ગયેલા છે. અત્યાર સુધી મારી માન્યતા એવી હતી કે કર્ણાટક આ ઝઘડામાંથી ઠીક ઠીક અંશે મુક્ત રહેલું હતું. પણ મારા પર જે કાપલીઓ ને કાગળો આવ્યાં છે તે પરથી જણાય છે કે એ અનિષ્ટની જડ ત્યાં એટલી ઊંડી ઊતરેલી છે કે તેનો તત્કાળ ઇલાજ થવાની જરૂર છે. આ બાબતમાં મારે રસ્તો બતાવવો એમ મને કહેવામાં આવ્યું છે. એ સ્થળ પર જઈને એ ખટાશનું યોગ્ય નિરીક્ષણ કર્યા વિના હું જરા પણ રસ્તો બતાવવા જાઉં તો એ મારે સારુ અવિચારી સાહસ ગણાય. હું તો એટલી જ સૂચના કરી શકું કે, આ ખટાશ દૂર કરવામાં રસ ધરાવનાર બ્રાહ્મણો ને બ્રાહ્મણેતરો પૂરતી સંખ્યામાં હોય તો તેમણે એ ખટાશવાળા પ્રદેશમાં ફરવું જોઈએ, અને ખટાશનાં કારણો શોધી કાઢીને તેનો ઈલાજ કરવો જોઈએ. આ ખટાશ એ દેશમાં વધતી જતી હિંસાવૃત્તિનું એક લક્ષણ છે.

રાજકોટથી મુંબઈ જતાં ગાડીમાંથી, ૨૪–૪–૩૯
હરિજનબંધુ, ૩૦–૪–૧૯૩૯