પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯
હૃદયમંથન


મારા હૃદયમંથનને પરિણામે મેં જે શોધ કરી તે આ છે: રાજ્યની સામે ઝૂઝીને ગમે તે હકો તમે મેળવો, પણ તે તમે તેટલે જ અંશે પચાવી શકશો જેટલે અંશે તમે રાજ્યના હૃદયમાં પરિવર્તન કરાવી શક્યા હશો; એથી વધારે અંશે નહિ. હકો મેળવવા સારુ જો તમારે સફળ સત્યાગ્રહ કરવો હોય તો તમારી ભાષા સુધરવી જોઈએ. પછી તમારા આચારો, તમારા વિચારો જુદું જ રૂપ પકડશે. અહિંસા ભીરુનું શસ્ત્ર નથી. એ તા પરમ પુરુષાર્થ છે, વીરોનો ધર્મ છે. સત્યાગ્રહી બનવું હોય તો તમારું અજ્ઞાન, આળસ બધું જવું જોઈએ. સતત જાગૃતિ તમારામાં આવવી જોઈએ, તંદ્રા જેવી વસ્તુ જ તમારામાં ન રહેવી જોઈએ. આમ થાય ત્યારે જ અહિંસા ચાલી શકે. તમારામાં જ્યારે ખરી અહિંંસા આવશે ત્યારે પછી તમારી વાણી, આચાર, વહેવાર બધામાંથી અમી ઝરશે અને ઇચ્છા અનિચ્છાએ પણ ‘શત્રુ’એ તેને ઓળખવી પડશે.

આ કઈ રીતે બને? એક દાખલો આપું. ગઈ કાલે પાંચ કલાક સુધી દરબાર વીરાવાળા સાથે મારી વાતો ચાલી. એમનો સ્વભાવ તો અગાઉ જે હતો તે જ કાલે પણ હતો. હું મારી મીઠી ભાષામાં તેની વક્રતાનું દર્શન પણ તેમને કરાવતો જતો હતો. પણ અમારી વચ્ચેનું વાતાવરણ આ વખતે જુદા જ પ્રકારનું હતું. એમણે મને કહ્યું, ‘મારાં એ કમનસીબ છે કે હું તમને નથી સમજાવી શક્યો કે આથી વધારે મારાથી આપી જ ન શકાય.’ મેં જવાબ આપ્યો, ‘હું કબૂલ કરું છું કે આજે હું વહેમાયલો માણસ છું. હું તમારાથી ડરી ગયો છુ. પણ આપણે એકમત ન થઈએ ત્યાં લગી તમારી સાથે