પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

થઈ પડે છે; અથવા તો ફસ ખોલવાથી કદાચ બચે. જ્યારે ઘણાનો પૈસો એક માણસના હાથમાં એકઠો થાય ત્યારે તેને આર્થિક ધનુર્વા થયો એમ આપણે ગણીએ. આરોગ્યવાનના શરીરમાં જેમ લોહી નિયમસર રગેરગમાં ફરે છે ને ક્યાંયે ભરાવો થતો નથી ને જે અંગને જેટલું જોઈએ તેટલું મળ્યાં કરે છે, તેમ જ આરોગ્યવાન આર્થિક સ્થિતિમાં દ્રવ્યનો સંચાર નિયમિત રીતે જ્યાં જ્યાં જેટલો જોઈએ તેટલો થવો જોઈએ. આવું આર્થિક આરોગ્ય મેળવવાનું મોટું સાધન રેંટિયો છે. રેંટિયાનો નાશ થતાં હિંદુસ્તાનનું દ્રવ્ય લૅંકેશાયરમાં ઘસડાઈ જાય છે. એ મહારોગની નિશાની છે. એ રોગનું નિવારણ રેંટિયાના પુનરુદ્ધારથી જ થઈ શકે.

આ સાદો પણ ચમત્કારિક નિયમ જો કાઠિયાવાડના સ્વયંસેવકો સમજ્યા હોય, તો તેઓ બધા રૂની ઉપર થતી ક્રિયાઓથી વાકેફ થઈ તે કામ આખી પ્રજામાં દાખલ કરશે. આ રાજકીય કામ પહેલું.

કાઠિયાવાડમાં રાષ્ટ્રીય શાળાઓ કેટલી છે ? અભણ બાળકો ને બાળાઓ કેટલાં છે ? તેઓને પહોંચી વળાય એટલી શાળાઓ છે ? ન હોય તો તેવી શાળાઓ સ્થાપી તેની મારફતે પણ અક્ષરજ્ઞાનની સાથે જ રેંટિયાજ્ઞાન પણ આપી શકાય. આ રાજકીય કામ બીજું.

અસ્પૃશ્યતાનો મેલ ધોવો એ રાજકીય કામ ત્રીજું. એ મેલ ધોતાં ધોતાં પણ રેંટિયાપ્રચાર સહેજે થઈ શકે છે.

દારૂ-અફીણ-નિષેધની જરૂર કાઠિયાવાડમાં કેટલી છે એ હું દૂર બેઠો ન કહી શકું. બહારનો ચેપ થોડોઘણો પણ લાગ્યા વિના ન જ રહે. આ રાજકીય કામ ચોથું.