પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૦
નવો પ્રયોગ
*[૧]

આજના મારા વિષય તરીકે, રાજકોટથી નીકળતી વેળાએ પ્રગટ કરેલા નિવેદનમાં મેં કહેલી એકબે બાબતો તમને સમજાવવા સારુ હું પસંદ કરીશ. શ્રી. કિશોરલાલે એમાંની એક મુખ્ય, અહિંસાનો અર્થ ક્યાં સુધી આપણને લઈ જાય છે, એની સવિસ્તર ચર્ચા કરી જ છે. એટલે કે આપણા દિલમાં વસતી અહિંંસા જો સો ટચની હોય તો તે સામે વિરોધીનું આપણા પ્રત્યેનું વલણ ઉત્તરોત્તર નરમ પડવું જોઈએ, ગરમ ન થવું જોઈએ. એ તેને પિગળાવે, તેના અંતરના તાર ઝઝણાવે. જો હિંસાનો સ્વભાવ જે કોઈ આડે આવે તેને ભરખી જવાનો હોય તો અહિંસાનો સ્વભાવ દોડીને એ હિંસાનું ભક્ષ થવાનો છે. જ્યાં અહિંસાનું જ વાતાવરણ છે ત્યાં માણસને પોતાની અહિંસાને કસી જોવાનો અવકાશ નથી. હિંસાનો સામનો કરવામાં જ એની પરીક્ષા થાય છે.

આ બધું જાણતો આવ્યો છું અને તેને અમલમાં ઉતારવાનો પણ મારો પ્રયત્ન રહ્યો છે. પણ તેમાં મને હંમેશ સફળતા મળી છે એમ ન કહી શકું હું એવો દાવો ન કરી


  1. * વૃંદાવન ખાતે મળેલા પાંચમા ગાંધી સેવા સંઘ સંમેલન સમક્ષ ગાંધીજીએ કરેલા પ્રવચનનો શ્રી. મહાદેવભાઈએ આપેલો સારાંશ.