પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
નવો પ્રકાશ

છોડી દઉં. પણ તેને સારુ હિંમત, નિર્ભયતા અને પૂરી આસ્થા જોઈએ. મારામાં તે હોત તો ભભૂકતા અગ્નિમાં ઝંપલાવતાં હું ન અચકાત. આવી આસ્થા કૃત્રિમ સાધનોથી ન આવે. માણસમાં ધીરજ જોઈએ અને તેણે ઈશ્વરની કરુણા ભાખવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ મેં ઉપાડ્યો ત્યારે જેલજીવન શું હોય તેની કલ્પના પણ મને નહોતી. પણ એક વાર અંદર પેઠો એટલે એ મારે સારુ મહેલ, મંદિર કે યાત્રાધામ સમી થઈ પડી. ત્યાં હું જે કાંઈ શીખ્યો તે બહાર ભાગ્યે જ શીખી શકત. મારા એકલાને માટે હોત તોપણ હું આમ ઝંપલાવતાં ન ખંચાત. પણ લોકોના હિતના રખેવાળ તરીકે હું જોખમો કાં સુધી ખેડી શકું એ પ્રશ્ન છે. આમ અંતરબુદ્ધિ મને ભીરુ બનાવી રહી છે અને હું શંકા અને શ્રદ્ધા વચ્ચે ઝોલાં ખાઉં છું.

મારી અહિંસા તો મને કહે છે કે ચુકાદાને કાઢીને ફગાવી દે. પણ બુદ્ધિ હજી માનતી નથી. મનમાં થાય છે, ‘દરબાર વીરાવાળા અને ઠાકોર સાહેબનો સહકાર જોઈએ છે અને ચક્રવર્તી સત્તાની મદદ નથી જોઈતી’ એનો અર્થ પણ શું ? શું એક જ સંચાનાં એ બધાં ચક્રો નથી ? આમ મારી જ બુદ્ધિને ચકરાવે હું ચડું છું. હું જાણું છું કે આ બધું મારી શ્રદ્ધાની ઊણપનું લક્ષણ છે. મનબુદ્ધિના આવા દ્વંદ્વયુદ્ધ વચ્ચે હું તમને મારી જોડે ચાલવા કેમ કહું ? તમને કઈ રીતે દોરી શકું ? મારી પાસે માર્ગ ચાલવાને કશો નિર્ણીત સિદ્ધાંત નથી. સત્યાગ્રહના શાસ્ત્રમાં હું સંપૂર્ણતાએ ઉત્તીર્ણ થયો નથી. હું હજુ ફાંફાં મારું છું. આ ખોજમાં, જો તમને રસ પડે અને અંતરમાંથી સાદ સંભળાય તો તમે જોડાઈ શકો છો.