પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭
નવો પ્રકાશ


આંગળીઓ ન છબે. એવી અદ્ભુત એની કળા હતી. સાંભળનારા મંત્રમુગ્ધ બની જતા. દરેક માનવ અંતઃકરણમાં એવા જ તાર હોય છે. જો તમને તે સ્પર્શતાં આવડે તો તરત જ ઝણઝણી ઊઠે છે અને તેમાંથી કલ્યાણકારી સંગીત જન્મે છે. દરબાર વીરાવાળા આને અપવાદરૂપ નથી. મેં તેમને સાવ નિર્ભય કર્યા છે? તેમની જોડેના વહેવારમાં કેવળ સત્ય અને અહિંસાથી કામ લીધું છે? ચુકાદાને તેમની સામે ઉગામી રાખ્યો નથી? રાજકોટમાં આપણે પ્રજાતંત્ર સ્થાપવું છે. પ્રજાતંત્રવાદી જન્મથી જ શિસ્તવાદી હોય. માનવી અગર દૈવી એવા તમામ કાયદાઓને જે સ્વેચ્છાએ પાળનારો છે તેને જ પ્રજાતંત્ર સદે છે. હું સ્વભાવે તેમ જ શિક્ષણે પ્રજાતંત્રવાદી હોવાનો દાવો કરું છું. જેમને પ્રજાતંત્રની સેવાની મહત્ત્વાકાંક્ષા છે તેઓ પ્રથમ પ્રજાતંત્રની આ કસોટીમાં પાસ થાય. વળી પ્રજાતંત્રવાદી સાવ નિઃસ્વાર્થી હોવો જોઈએ. તેણે પોતાની અગર પોતાના પક્ષની દૃષ્ટિએ નહિ પણ સમસ્ત પ્રજાના તંત્રની દૃષ્ટિએ બધું વિચારવું જોઈએ, બધાં સ્વપ્નાં ઘડવાં જોઈએ. ત્યારે જ તે સવિનય ભંગનો અધિકારી બને છે. કોઈ પોતાની માન્યતા છોડે કે પેાતાની જાતને દબાવે એમ હું નથી માગતો. નરવો પ્રમાણિક મતભેદ આપણા કાર્યને હાનિ કરે એમ પણ નથી માનતો. પણ તકસાધુપણું, છેતરપિંડી અથવા તે થાગડથીગડ સમાધાની જરૂર હાનિ કરશે. જો તમારે જુદા પડ્યે જ છૂટકો હોય તો, તમારા મતભેદ તમારી હાડોહાડની માન્યતાઓના નિદર્શક છે, માત્ર પોતાના પક્ષની પ્રતિષ્ઠા વધારવા ખાતર યોજેલું સગવડિયા બુમરાણ નથી, એ વાતની પૂરી ખાતરી અને કાળજી તમને હોવી જોઈએ.