પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કહી શકાય. સત્તાવાળાઓ સાથે માનભરી સમજૂતીનો માર્ગ સહેલો થાય અને લોકો પણ ખરો અહિંંસામાર્ગ સમજતા થાય, એ પણ સત્યાગ્રહમોકૂફીની પાછળ હેતુ હતો. હેતુની સિદ્ધિને સારુ હજુ પણ કામ કરવું રહ્યું છે. આ કામમાં મને થયેલી નવા પ્રકાશની ઝાંખી મદદરૂપ થઈ પડે છે. તે ન થઈ હોત તો અત્યારે જેટલા આત્મવિશ્વાસથી હું સલાહ આપી રહ્યો છું તેટલા વિશ્વાસથી તે આપી શકત નહિ.

મારા મનમાં શંકા નથી રહી કે સત્તાવાળાઓ સાથે સમાધાનીની વાત સીધી જ ઉપાડવી જોઈએ. આટલા દિવસ રાજ્ય મહાસભાવાળા રાજ્ય પ્રત્યે અને રાજ્યવાળા રાજ્ય મહાસભાવાળા પ્રત્યે સીધું ઉદ્દેશીને ન બોલતાં આડકતરું બોલતા આવ્યા. પરિણામે બેઉ વચ્ચેનો દરિયો વધ્યો છે. બે હાથ વગર તાળી ન પડે એ સત્યાગ્રહીની દલીલ ન હોય. એમાં તો રાજ્યવાળા પણ સત્યાગ્રહી છે એવી અપેક્ષા આવી; જ્યારે વસ્તુતાએ તો જેઓ સત્યાગ્રહી હોવાનો કશો જ દાવો કરતા નથી એવાઓ સામે મત્યાગ્રહ કરવામાં આવે છે, તેથી માનભરી વાટાઘાટોને સારુ તક શોધવાનો ભાર પણ પહેલો તેમ જ છેલ્લો સત્યાગ્રહીને માથે હોય. અને જ્યાં બંને પક્ષ ગાંઠ વાળીને જ બેઠા હોય કે સામા જોડે સમાધાની શક્ય નથી, ત્યાં એમ થવું અશક્ય છે. આમ થવા દેવામાં હું ભાગીદાર છું. હવે હું વધુ સમજ્યો છું. જો આગેવાનોમાં સક્રિય અહિંંસા કામ કરી રહી હોય તો તેમણે આવી વાટાઘાટની સંપૂર્ણ શક્યતા અને તેની અગત્યમાં માનતા થવું જોઈએ. અને આવી આસ્થા જો તેમનામાં આવશે તો