પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

માગણીઓનો સૂર હળવો કરવા પડે. મતલબ કે નબળાઈને કારણે માગણી હળવી કરવાની વાત ન હોઈ શકે. સ્થાનિક પરિસ્થિતિને પૂરેપૂરી તોળી વિચારીને અને તેને પહેાંચી વળવાની કાર્યકર્તાઓની શક્તિ માપીને જ હોઈ શકે. નાસીપાસી અને ભંગાણને સારુ તો આમાં ક્યાંયે અવકાશ જ નથી. વળી જયપુર જેવા દાખલામાં તો માગણી હળવી કરવાનો સવાલ જ ન હોઈ શકે એ સ્પષ્ટ છે. મૂળ માગણી જ ત્યાં તો હળવામાં હળવી છે. તેમાં વધુ હળવું કરવાને જગા જ નથી. માગણી કેવળ નાગરિક સ્વતંત્રતાની છે, અહિંસાપાલન સાથેની નાગરિક સ્વતંત્રતા સ્વરાજનું પ્રથમ પગથિયું છે. એ રાજદ્વારી તેમ જ સામાજિક જીવનના શ્વાસરૂપ છે. એ તમામ સ્વતંત્રતાના પાયારૂપ છે. એમાં હળવું પાતળું કરવાપણું કશું હોય જ નહિ. જીવનને પાણી જેટલી જ એ જરૂરી છે. પાણીથી વધુ પાતળું બીજું શું હોઈ શકે ?

બીજા એક પત્રલેખકે બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે. તે લખે છે, ‘તમે અમને સમાધાનીભરી વાટાઘાટથી કામ લેવા કહો છો. પણ સામે પક્ષે વાટાઘાટની કશી વૃત્તિ જ ન હોય અને સ્વતંત્રતા માગનાર પક્ષને હીણવવાની અને તેનું માનભંગ કરવાની જ વૃત્તિ હોય ત્યાં શું કરવું?’ અલબત્ત, કંઈ જ ન કરવું, સિવાય કે વાટ જોવી અને દુઃખો વેઠવાની તૈયારી કરવી અને રચનાત્મક કામ જમાવવામાં ગૂંથાવું.

સત્તાધારી વર્ગમાં સમાધાનીભરી વાટાઘાટની વૃત્તિ ન હોવી એ સ્વતંત્રતા માગનારાઓના પક્ષ વિષે કાં તો તુચ્છકાર અથવા તો અવિશ્વાસ સૂચવે છે. એમાંથી ગમે તે હોય તોપણ એનું ઓસડ એક જ છે: મૂંગું કામ. સમાધાનીની વાટાઘાટ