પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૫
એની સમજણ

મારાં લખાણો અગર કાર્યોને સમજવામાં જેમને આજ સુધી કશી મુશ્કેલી નથી પડી એવાઓને પણ દેશી રાજ્યોને લગતાં મારાં તાજેતરનાં નિવેદનોએ મૂંઝવણમાં નાંખી દીધા છે, એ જોઈ હું દિલગીર થાઉં છું. અધૂરામાં પૂરું રાજકોટનાં મારાં નિવેદનો, રાજકોટમાં મેં લીધેલાં પગલાં, અને ત્રાવણકોરને લગતું મારું નિવેદન, એ બધાંએ મળીને મૂળ મૂંઝવણને અનેકગણી વધારી મૂકી છે. પ્યારેલાલ અને પાછળથી મહાદેવ મારાં લખાણો તેમ જ કાર્યોને તેના ખરા અર્થમાં સમજાવવા આ પત્રની કટારોમાં ભડવીર પ્રયત્નો કરી રહ્યા છે. વ્યાપેલી ગેરસમજણો તેમના પ્રયત્નથી અમુક અંશે દૂર થવા પામી છે એમ પણ જાણું છું. પણ હું જોઉં છું કે હું પોતે કેટલુંક સમજાવું એવી જરૂર રહી છે. તેથી મારે મારાં તાજાં લખાણો તેમ જ પગલાંઓનો હું સમજું છું તે અર્થો પ્રજા આગળ મૂકવા યત્ન કરવો રહ્યો.

સૌ પહેલાં તો એ લખાણો તેમ જ કાર્યોનો જે અર્થ નથી તે કહી દઉં. એક તો એ કે, વ્યક્તિગત, સમૂહગત કે આમવર્ગના સત્યાગ્રહને લગતા મારા વિચારો બદલાયા નથી. તેમ જ મહાસભા અને રાજાઓ વચ્ચે અગર તેા રાજાઓ અને તેમની પ્રજાઓ વચ્ચે કેવો નાતો હોવો જોઈએ એને લગતા