પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
કાઠિયાવાડ શું કરે ?

બાદ જો મને લાગે કે અન્યાય તો છે જ ને તે દૂર કરવાની જામસાહેબની વૃત્તિ નથી, તો જ હું તે વસ્તુનો ઊહાપોહ જાહેરમાં કરું. આ પદ્ધતિનો ઉપયોગ મેં ચંપારણના નીલવરોને અંગે પણ કરેલો. એથી ઓછું તે મારાથી કાઠિયાવાડના રાજાઓ પ્રત્યે થાય જ નહિ. તેથી, ઉપરના વિવેચનથી હું જામસાહેબના રાજ્યતંત્ર ઉપર કશો આક્ષેપ કરવા ઇચ્છું છું એમ તેઓ સાહેબ, જો તેઓ આ લેખ જુએ તો, ન માને એવી મારી વિનંતિ છે. મેં તો તેમના રાજ્યતંત્રનો દાખલો કેવળ દૃષ્ટાંતરૂપે લીધો છે. તેમની પ્રજાની ફરિયાદ તો એવી છે જ એમાં શંકા નથી.

પાછા આપણે મૂળ વાત પર આવીએ. મારો અભિપ્રાય છે કે ઉપર જણાવેલી સેવાને જામસાહેબના મનાતા દોષિત રાજ્યતંત્રની સાથે નિકટ સંબંધ છે. જેઓએ એવી સેવા કરી હશે તેનું રાજા પ્રજા બન્ને સાંભળશે. સત્યાગ્રહી બળવાન તો હોય જ, તેનામાં ભીરુતાની ગંધ પણ ન હોય. પણ તેની નિર્ભયતાના પ્રમાણમાં જ તેની નમ્રતા વધવી જોઈએ. વિવેકશૂન્યની નિર્ભયતા તેને ગર્વિષ્ઠ અને ઉદ્દંડ બનાવે છે. ગર્વ ને સત્યાગ્રહની વચ્ચે તો સમુદ્ર વહે છે. વિવેકીની વાત મહાઅભિમાની રાજાને પણ સાંભળવી પડે છે. સેવા વિના નમ્રતા અને વિવેક આવતાં નથી. સત્યાગ્રહીને સ્થાનિક અનુભવ હોવો જોઈએ, તે પણ સેવા વિના ન જ આવે. રાજાઓની ટીકા એ અનુભવ ન ગણાય. કાઠિયાવાડી કાર્યકર્તા ઘણા કેવળ મુત્સદ્દીવર્ગના હોય છે. મુત્સદ્દીપણાને સેવાની સાથે ઘણો ઓછો સંબંધ છે. મુત્સદ્દીવર્ગ એટલે રાજવર્ગ. તેને પ્રજા પોતાનું પેટ પણ નથી આપતી એવો મારો બાળપણનો