પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

તો પ્રજાએ તેમને બરતરફ કરવા જોઈએ. આજે તો કામ પર કાયમ રહેવા દઈ ને ઘણા મહાસભાવાદીઓ તેમને પોતાનો સક્રિય સહકાર આપતા નથી.

બીજા બધા ઉપાયો ખલાસ કર્યા વિના આખરી પગલું ઉપાડવું એ મહાસભાના એકેએક નિયમની વિરુદ્ધ છે.

આના જવાબમાં કંઇક વાજબીપણે એમ કહી શકાય ખરું કે, મેં જણાવેલી બધી શરતો પૂરી કરવાનો આગ્રહ રાખવામાં આવે તો સવિનય ભંગ લગભગ અશક્ય જ થઈ પડે છે. આવો વાંધો સંગીન ગણાય ખરો ? દરેક પગલાના સ્વીકાર સાથે તેની શરતો તો રહેલી હોય જ. સત્યાગ્રહ તેને અપવાદરૂપ ક્યાંથી હોય ? પણ મારું અંતર મને કહે છે કે, આજની અશક્ય સ્થિતિમાંથી છુટકારો પામવાને સારુ સત્યાગ્રહની કોઈ ને કોઈ રીત — પછી તે સવિનય ભંગ જ હોય એમ નહિ — જડવી જ જોઈએ. ભારતવર્ષ અત્યારે વધુ વખત ન ચલાવી લઈ શકાય એવી અશક્ય સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સમજી શકાય એટલા સમયની અંદર કાં તો એણે લડાઈની કોઈ ને કોઈ સચોટ રીત શોધી કાઢવી રહી છે, અગર તો એણે હિંસા અને અંધાધૂંધીમાં સપડાવું રહ્યું છે.

આ સ્થિતિની વધુ વિચારણા હવે પછી.

સેવાગ્રામ, ૨૦-૬-૩૯
હરિજનબંધુ, ૨૫-૬-૧૯૩૯