પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૭
અહિંસા વિ૦ હિંસા


મનબુદ્ધિના ટેકા વિનાનું માત્ર કાર્યમાં અહિંસક પગલું ધારેલું પરિણામ નિપજાવી શકતું નથી. આપણી અપૂર્ણ અહિંસાની નિષ્ફળતા આજે નરી આંખે દેખી શકાય છે. હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિખવાદ જુઓ. અસહકારના કાળમાં જે હિંસાને આપણે આપણાં હૈયાંમાં સંઘરી હતી તે આજે આપણા ઉપર જ ઊઠી છે. પ્રજામાં જે હિંસક શક્તિ પેદા થઈ, અને એક સર્વસામાન્ય ધ્યેયની પ્રાપ્તિની ગણતરીએ તે કાળે અંકુશમાં રહી, તે આજે ફાટી નીકળી છે અને આપણી વચ્ચે એકબીજા સામે જ વપરાઈ રહી છે!

એથીયે નજીક ખુદ મહાસભાવાદીઓમાં પોતાની વચ્ચે જે આપસના કજિયા જોવામાં આવે છે અને મહાસભાના પ્રધાનોને પોતાનો કારોબાર ચલાવવામાં બળજોરીની રીતો અખત્યાર કરવાની જે ફરજ પડી રહી છે તેમાંથી પણ એ જ વસ્તુ — સહેજ ઓછા બેહૂદાપણાથી — દીસી આવે છે.

આ બધું સ્પષ્ટ દેખાડે છે કે, વાતાવરણ હિંસાથી ભર્યું છે. આમાં ધરમૂળનો પલટો ન થાય તો વ્યાપક અહિંસક લડત અશક્ય છે એટલું આપણને સમજાઓ. આપણી ચોમેર જે બનાવો બની રહ્યા છે તે પ્રત્યે આંધળાભીંત થવું એ મહાવિપદ નોતરવા બરાબર છે. મને કહેવામાં આવે છે કે, જો હું દેશવ્યાપી સવિનય ભંગની લડત ઉપાડું તો બધા આંતરકલહ શમી જશે, હિંદુ-મુસ્લિમ પોતાના મતભેદની સમજૂતી કરી લેશે, અને મહાસભાવાદીઓ આપસનાં ઈર્ષ્યાદ્વેષ અને સત્તા માટેની હોંસાતોંસી ભૂલી જશે. મને એથી સાવ નિરાળું ભાસે છે. મને એથી તો લાગે છે કે, જો કદી અત્યારે અહિંસાને નામે કોઈ આમપ્રજાની ચળવળ ઉપાડવામાં આવે તો તેમાંથી મોટે ભાગે