પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

અવ્યવસ્થિત અને ક્યાંક ક્યાંક વ્યવસ્થાપૂર્વકની હિંસા જ ચાલે, એવું પગલું મહાસભાને લાંછન આણે, તેની પૂર્ણ સ્વાતંત્ર્યની લડતને ઘાતક નીવડે, અને અગણિત કુટુંબો તારાજ થાય.

આ ચિતાર સાવ ખોટો અને કેવળ મારી નબળાઈમાંથી જન્મેલો પણ હોય. તેમ હોય તો તે નબળાઈ મારામાંથી ન જાય ત્યાં સુધી જેને અંગે મહાન બળ અને નિશ્ચયની જરૂર છે એવી લડતની આગેવાની હું કેમ લઈ શકું ?

પણ જો શુદ્ધ અહિંસક એવી કશી સચોટ રીત હું ન શોધી શકું તો હિંસા ફાટી નીકળવાનો સંભવ પણ ચોક્કસ જણાય છે. પ્રજા ગમે તે રસ્તે પણ પોતાની અસ્મિતા પ્રગટ કરવા અધીરી બની છે. મેં યોજેલા અને મહાસભાએ લગભગ એકમતીથી સ્વીકારેલા રચનાત્મક કાર્યક્રમથી તેને સંતોષ નથી. હું અગાઉ કહી ગયો છું તેમ રચનાત્મક કાર્યક્રમને મળતો ઉપચોટિયો જવાબ જ મહાસભાવાદીઓની અહિંસા પ્રત્યેની ઉપચોટિયા નિષ્ઠાની સ્પષ્ટ સાબિતીરૂપ છે.

પણ જો હિંસા ફાટી નીકળે તો તે કારણ વિના નહિ હોય. આપણે આપણી સ્વપ્નસૃષ્ટિના પૂર્ણ સ્વરાજથી બહુ દૂર છીએ. બેજવાબદાર મધ્યવર્તી સરકાર દેશની ઊપજના ૮૦ ટકા હોઇયાં કરી જાય છે, પ્રજાને પીસી રહી છે, અને તેની આકાંક્ષાઓને ગૂંગળાવી રહી છે. આ બધું દિવસે દિવસે હવે વધુ ને વધુ અસહ્ય થતું જાય છે.

વળી મોટા ભાગનાં દેશી રાજ્યોની ભયાનક આપખુદીનું ભાન પણ દિનપ્રતિદિન વધુ તીવ્ર થતું જાય છે. સંખ્યાબંધ રાજ્યોમાં સવિનય ભંગ મોકૂફ કરાવ્યાની મારી જવાબદારી મારે કબૂલ કરવી રહી છે. પરિણામે પ્રજામાં તેમ જ