પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

ઘસડાઈ રહી છે. ઝઝૂમી રહેલું મહાયુદ્ધ, એ મહાનાશમાંથી જો આપણામાંના થોડાઘણા પણ બચવા પામ્યા હશે તો, આપણને ઇચ્છિત ઇલાજની નજીક પહોંચાડશે. તેથી એ ઝઝૂમી રહેલા કિસ્મતમાંથી ઊગરવાનો એકમાત્ર ઇલાજ તેનો અહિંસક ઉકેલ શોધવો એ છે, એમ જે સમજે છે તે પોતાની કૌટુંબિક, કોમી કે બીજી તમામ ગૂંચો ઉકેલવાને સારુ એ જ ઇલાજની યોજના કરશે. અહિંસા તમામ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લાગુ પડનારો સાર્વત્રિક સિદ્ધાન્ત છે. તેની અવગણના સીધી નાશને માર્ગે લઈ જનારી છે — આજે કે વખત જતે.

રાજાઓ આ કોયડાનો ઉકેલ ગરાસિયા, મુસલમાન, હરિજનો કે તેમના પોતાના પ્રજાજનોમાંના કાયર વર્ગ જોડે મિલાવટ કરીને કરી શકવાના નથી. એવી મિલાવટ તેના પોતાના જ બોજા તળે ભાંગી પડવાની છે. એ મિશ્રણ જાતે જ જ્વાલાગ્રાહી છે. વળી આવી મિલાવટ પણ કોની સામે ? જે મહાસભા રાજાઓ સિકકે તમામનાં હિતોની પ્રતિનિધિ બનવા માગે છે તેની સામે ? જે દિવસે મહાસભા તેના સંપૂર્ણ અર્થમાં રાષ્ટ્રીય નહિ રહે તે દિવસે તે કુદરતી મોત પામશે. એની પાછળ તો એવી ૫૦ વરસની અખંડિત પરંપરા પડેલી છે. ગમે તેવા કાયાપલટ થાય છતાં એ એક જ એવું તંત્ર છે જે બ્રિટિશ સામ્રાજ્યશાહીની પાછળ એની જગા લેશે. સામ્રાજ્યશાહી તરીકે તે બ્રિટિશ સત્તાના દિવસો હવે ભરાયા છે જ. બ્રિટિશ મુત્સદ્દીઓ આ સમજે છે. તેઓ તેના કાયાપલટની અગર તો નાશની સામે થવાના નથી, થવા માગતા નથી. એ સામ્રાજ્યશાહી દિવસે દિવસે એ કારણસર પણ બોજારૂપ થતી જાય છે કે એની આખી રચના તીવ્ર તંત્રબદ્ધ