પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૭
રાજાઓને

હિંસા ઉપર થયેલી છે. રાજાઓ અમુક સમય સુધી ભલે મહાસભાની અવગણના કરે, તેઓ હમેશને સારુ તેમ કરી શકવાના નથી. કેટલાક તો એટલે સુધી બોલ્યાનું કહેવાય છે કે મહાસભા વાણિયાઓની બનેલી છે, જે ઉપર જણાવેલી મિલાવટવાળા વર્ગની મૂઠીઓના થોડાક મુક્કા માથા પર પડતાની સાથે ઊભી પૂંછડીએ નાસી જશે. હું અદબ સાથે જણાવવા ઈચ્છું છું કે મહાસભા વાણિયાઓની બનેલી નથી. વાણિયા તો એમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા હશે. જે લાખો લોકોએ સવિનય ભંગની લડતમાં ભાગ લીધો તેઓ વાણિયા નહોતા. આથી હું એમ સૂચવવા નથી માગતો કે તેઓ મુક્કાનો જવાબ મુક્કાથી વાળવાવાળા હતા. તેમાંના ઘણા એમ કરવાને અલબત્ત શક્તિવાળા હતા જ; પણ તેમણે હિંસાત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. જે અસંખ્ય મહાસભાવાદીઓનાં માથાં લડતોમાં ભાંગ્યાં તે મુક્કાઓ કરતાં કશીક વધુ કઠણ ચીજ જોડે અફળાઈ ને ભાંગ્યાં હતાં. મારા કથનનું તાત્પર્ય એટલું જ છે કે મહાસભા નર્યાં ડરકુઓની બનેલી નથી. અહિંસા અને કાયરતા એ બેનો મેળ ખાઈ શકતો નથી. એકાદ પૂરા હથિયારબંધ માણસના બદનમાં ડરકુનું હૈયું ધબકતું હું કલ્પી શકું છું. પણ ખરી અહિંસા નિર્ભેળ અભયની સિદ્ધિ વિના અશક્ય છે.

રાજાઓને હું વીનવું છું કે મહાસભાને આ દેશમાંની એક શક્તિ તરીકે તેઓ તુચ્છ ન સમજે. તેની નીતિ હજી અહિંસક જ છે. હું કબૂલ કરું છું કે હિંસા તરફ તે ત્વરાથી ઝૂકી રહી છે, અને મારા થોડાક સાથીઓ અહિંસાની તરફેણમાં મહાપ્રયત્નો કરી રહ્યા છે. રાજાઓને તેમની પોતાની ખાતર અને